________________
૧૮૬
શ્રાવક જીવન : ભાગ ૪
ચરણોને ચૂલો બનાવીને તેમાં અગ્નિ પ્રજ્વલિત કર્યો, અને ભાત રાંધવાના પાત્રને તેની ઉપર મૂક્યું. અગ્નિથી પ્રભુના ચરણ બળવા લાગ્યા. પરંતુ એનાથી ચ૨ણ સુવર્ણની જેમ વધારે શોભાયમાન થયાં. પ્રભુ તો નિરાકુલ
રહ્યા.
૧૬. દેવે અતિરૌદ્ર ચંડાળનું રૂપ ધારણ કર્યું. તેણે પ્રભુના ગળામાં, કાનોમાં, સાથળ ઉપર, હાથો ઉપર પક્ષીનાં પાંજરાં લટકાવ્યાં. પક્ષીઓએ તેમની ચાંચોથી, તેમજ નખોથી પ્રહાર કરીને શરીરમાં અનેક છિદ્રો કરી નાખ્યા, તો પણ તે પ્રભુને ચલાયમાન ન કરી શક્યો.
૧૭. દેવ વધારે ઉગ્ર બન્યો. તેણે પ્રચંડ પવન ઉત્પન્ન કર્યો. પવનથી પ્રભુને આકાશમાં ઉછાળીને ઉછાળીને જમીન ઉપર પટકવા લાગ્યો. છતાં પણ પ્રભુ વિચલિત ન થયા.
૧૮. દેવે હવાનું ભયંકર તોફાન-વંટોળ ઉત્પન્ન કર્યું. જેમ કુંભાર ચક્રને ઘુમાવે તેમ તેણે પ્રભુને ઘુમાવ્યા. તો પણ પ્રભુ ધ્યાનમગ્ન રહ્યા.
૧૯. આટલા બધા ઉપાય નિષ્ફળ જવાથી દેવે વિચાર કર્યો : ‘આ મુનિ વજ્ર જેવા કઠીન મનવાળા છે. આટલા ઉપદ્રવો કરવા છતાં પણ તે જરાકે વિચલિત ન થયા. ઇન્દ્રસભામાં મેં પ્રતિજ્ઞા કરી હતી, એ પ્રતિજ્ઞા પૂર્ણ ન થઈ...હવે હું ઇન્દ્રસભામાં કેવી રીતે જાઉં ? એટલા માટે તો હવે આના પ્રાણ જ લેવા પડશે. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી.’
આવું વિચારીને સંગમે ‘કાલચક્ર’ ઉત્પન્ન કર્યું. કાલચક્ર ઉપાડ્યું અને ભગવાનની ઉપર પ્રહાર કર્યો. કાલચક્રના પ્રહારથી પ્રભુ ઢીંચણ સુધી જમીનમાં ઘુસી ગયા. પરંતુ તેમનું મૃત્યુ ન થયું, ત્યારે દેવ ક્ષુબ્ધ થઈ ગયો. એણે વિચાર કર્યો : “આને કોઈ શસ્ત્ર-અસ્ત્ર અસર કરતું નથી, તો હવે એક અનુકૂળ ઉપસર્ગ કરીને તેને વિચલિત કરી દઉં.'
૨૦. તેણે કામદેવના એક અમોઘ શસ્ત્રની રચના કરી, તેણે છ ઋતુઓ પ્રકટ કરી, વસંત ઋતુની શોભા ઉત્પન્ન કરી, સેંકડો દેવાંગનાઓ ઉત્પન્ન કરી. દેવાંગનાઓએ ગીત, વાદ્ય, નૃત્ય, અંગવિકાર અને ચાટુ વચનોના પ્રયોગો કર્યા. તો પણ પ્રભુનું મન નિર્વિકારી રહ્યું. તેઓ તો ધ્યાનમાં નિમગ્ન રહ્યા. રાત પૂર્ણ થઈ; પ્રાતઃકાળમાં દેવે વિચાર કર્યો : ‘હવે હું પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈને સ્વર્ગમાં કેવી રીતે જાઉં ? નહીં જાઉં. હું આ મુનિને વિચલિત કરીને જ સ્વર્ગમાં
જઈશ.’
સંગમે ૬ મહિના સુધી પ્રભુને ઉપસર્ગો કર્યા. ભગવાનની ભિક્ષાને પણ દૂષિત કરતો રહ્યો. પ્રભુની આગળપાછળ ભટકતો રહ્યો. તે લજ્જિત થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org