________________
૧૩૪
શ્રાવક જીવન : ભાગ ૪ એવું ચિંતન કરતા રહો - આ જગતમાં કોઈ પણ મારો શત્રુ નથી, કોઈ અજ્ઞાની મનુષ્ય ભલે ને તમને શત્રુ માનતો હોય, તમે એને શત્રુ ન માનો. કેટલા દિવસોની આ જિંદગી ??
નાનકડી આ જિંદગી છે, ખબર નથી કે ક્યારે હંસ ઊડી જશે, અને માળો અહીં પડ્યો રહેશે. અનિશ્ચિત જિંદગીમાં શા માટે કોઈની સાથે શત્રુતા કરવી? વેર બાંધવું? યાદ રાખો કે આ જિંદગી સ્વપ્નની જેમ જ સમાપ્ત થઈ જશે, પરંતુ વેરભાવના સમાપ્ત નહીં થાય, બીજી જિંદગીમાં વેરભાવના સાથે ચાલી આવશે, અને વધતી રહેશે. જો વેરભાવનાને નષ્ટ ન કરી અને મૈત્રીભાવના સ્થાપિત ન કરી તો અનેક ભવોમાં વેરભાવના દુઃખદાયક બનતી રહેશે. “સમરાદિત્ય મહાકથા' વાંચો છો ને? નવ નવ ભવ સુધી વેરના ભયંકર વિપાકી ભોગવવા પડ્યા છે.
પરલોકની દ્રષ્ટિથી વિચારવું આવશ્યક છે. એ રીતે વર્તમાન જીવનને લક્ષ્યમાં રાખીને વિચારવાનું છે. શત્રુતાની ભાવના માણસને સંતપ્ત કરે છે; અશાન્ત બનાવે છે. બેચેન કરી નાખે છે. એ દૃષ્ટિએ પણ કોઈ જીવ સાથે શત્રુતા ન રાખવી.
આ નાનકડી જિંદગી અશાન્તિમાં નથી જીવવાની, સંતાપની આગમાં નાનીશી જિંદગીને બાળીને ખાખ કરવાની નથી. આ નાની શી જિંદગીમાં તો મૈત્રીનું ઉપવન સજાવવાનું છે. જિંદગી સમાપ્ત થયા છતાં પણ મૈત્રીનું ઉપવન હર્યુંભર્યું રહેશે. આત્મસાક્ષીએ નિર્ણય કરી લો કે “આ જિંદગીમાં કોઈની સાથે વેરની ગાંઠ નહીં બાંધું. કોઈ પણ વ્યક્તિ સાથે વેરભાવ - વિરોધ થશે તો જલદીમાં જલદી એ વેરભાવને દૂર કરી દઈશ. ક્ષમાયાચના દ્વારા મૈત્રી સ્થાપિત કરીશ.'
એક ભાઈને બાજુમાં રહેનાર વ્યક્તિ સાથે ઝઘડો થઈ ગયો. ઝઘડામાં તો લોકો જોરશોરથી બોલવા લાગ્યા, એ ભાઈને ઝઘડા પછી તરત જ હાર્ટએટેક આવ્યો. ડૉક્ટર આવે તે પહેલાં જ મૃત્યુ થઈ ગયું. એ આત્મા શું લઈને પરલોક ગયો હશે? કઈ ગતિમાં એ આત્મા ગયો હશે? શાન્તિથી વિચારજો. સર્વ જીવો બંધુ છેઃ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી કહે છે : सर्वेऽप्यमी बंधुतयानुभूताः सहस्रशोऽस्मिन् भवता भवाब्धौ । जीवास्ते बन्धव एव सर्वे, न कोऽपि ते शत्रुरिति प्रतीहि ॥
આપણા આત્માએ સમજવાનું છે કે - “આ સંસારની અનંતકાલીન યાત્રામાં સર્વ જીવોની સાથે હજારો વાર ભાઈભાઈના સંબંધો કર્યા છે, એ દ્રષ્ટિએ સર્વે જીવો તારા બંધુઓ છે. કોઈ પણ જીવ તારો શત્રુ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org