________________
અનુસંધાન’નું એક પગલું
ભાયાણી સાહેબના અને મારા પત્રોનો આ સંચય પ્રગટ થાય છે ત્યારે મારા મનમાં એક ખટકો રહી જાય છે. આ પત્રો ભાયાણી સાહેબની હાજરીમાં પ્રગટ કરવાનો ઇરાદો હતો. એમણે નામ સૂચવેલું “સેતુબંધ'. પણ આપણી વચ્ચેથી અચાનક એ અનંતની યાત્રાએ ઊપડી ગયા. મારા પહેલા પત્રથી જ એમણે જવાબી ઈન્વેન્ડ ન બીડવાનું અને જુદાઈ ન રાખવાનું જણાવ્યું ત્યારથી જ અમારી વચ્ચે સ્નેહનો તંતુ વણાઈ ગયો.
અમારે મળવાનું ઓછું બન્યું અને મળ્યા ત્યારે સાંજ ઢળવા આવી હતી. ભજન-શિબિર વખતે અહીં નંદિગ્રામમાં, ભાવનગરમાં અને ફરી એકવાર નંદિગ્રામમાં મેળાપ થયો. આરામ માટે થોડો સમય અહીં આવે એવા ઘાટ ઘડ્યા પણ અધૂરા રહ્યા. ભાયાણી સાહેબનું ઉલ્લ હાસ્ય આ ભૂમિમાં આજે પણ એવું જ તાજું વિલસી રહ્યું છે.
મારા માટે આનંદની વાત તો એ છે કે મુનિશ્રી વિજયશીલચન્દ્રસૂરિજીએ આ પત્રોનું સંપાદન કરવાનું સ્વીકાર્યું. ભાયાણી સાહેબ અને મારી સાથે મુનિશ્રીનો નાતો એવો આત્મીય રહ્યો છે કે એમને હાથે સંપાદન થાય એથી વધુ રૂડું મને ભાસતું નથી. મને ઓછામાં ઓછી તકલીફ પડે એનું ધ્યાન રાખી મુનિશ્રીએ ઝીણી ઝીણી પૃચ્છાઓનો વિગતવાર જવાબ આપવાનું કાર્ય ભાઈ નિરંજન રાજ્યગુરુને સોંપ્યું. નિરંજન તથા તેના જોડીદારોએ સત્વર અને સવિસ્તૃત માહિતી મોકલી આપી. ઘણી ઝીણવટ અને ચીવટથી આ મિત્રોએ કાર્ય પાર પાડ્યું. આભાર માનવાનું મન થઈ આવે છે પણ એનોયે ભાર શા માટે રાખું ? એટલે આપણા રામ તો હળવાફૂલ.
“સ્વામી અને સાંઈ પછી જુદા પ્રકારની આ પત્રગોષ્ઠી પુસ્તકરૂપે પ્રગટ થાય છે. તમને તેમાંથી વિચારવા અને જીવવા જેવી વાનગી મળશે તો તે આપણો સહિયારો આનંદ હશે.
મકરન્દ દવે
૨૦-૮-૨૦૦૨ નંદિગ્રામ
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org