________________
મકરંદભાઈએ ટાંકેલી ઉપરોક્ત લોકોક્તિ, ગુજરાતમાં હેમચન્દ્રાચાર્યની પ્રેરણાથી રાજા કુમારપાલ સોલંકીએ અમારિ-પ્રવર્તન કર્યું, એ અરસામાં માંકડ કે જૂને મારનારો પણ કઠોર દંડને પાત્ર બનતો હતો, તેની પ્રતિક્રિયામાંથી ઉદ્ભવેલી લોકોક્તિ હોવાની પાકી સંભાવના છે.
આ પ્રકારની ઉક્તિઓ તથા પ્રયોગો જૈન સિવાયના સંપ્રદાયો-સાંપ્રદાયિકો માટે પણ પ્રયોજાયા કરી જ છે. અને સહદ્મશઃ મતવૈવિધ્યમાં વહેંચાયેલા વિશાળ સમાજમાં આવું બધું તો હોવાનું જ.
અને છેલ્લે થોડીક ઔપચારિકતાઓનો પણ નિર્વાહ થવો ઘટે.
સેતુબંધ'ના પત્રવ્યવહારના પ્રકાશનનો સૌ પહેલો વિચાર મકરંદભાઈને સ્ફરેલો. તેમણે જ આ વાત ભાયાણી સાહેબને લખી જણાવી (પત્ર-૧૧૪). ભાયાણી સાહેબે પણ વળતા પત્રમાં આ વાતમાં સંમતિ દર્શાવી (પત્ર ૧૧૫), અને આવો સંગ્રહ થાય તો તેનું નામ “સેતુબંધ' રાખવાનું પણ તેમણે જ સૂચવ્યું (પત્ર-૧૧૬).
આવું કોઈ પુસ્તક થાય તો તેનું સંપાદન – પ્રકાશન કોણ કરે તે મુદ્દાઓનો વિમર્શ પણ આ પત્રોમાં જ થયેલો છે. પરંતુ ગમે તે કારણે તે કાર્ય ઠેલાયું હશે, તે આજે આ રીતે- આ સ્વરૂપે થઈ રહ્યું છે, તેનો સૌને આનંદ છે. ભાયાણી સાહેબ હવે નથી, તે વાતે ઊંડી ખિન્નતા જરૂર છે, પરંતુ તેમની સંમતિ-સ્વીકૃતિના રૂપમાં તેઓ ઉપસ્થિત છે જ તેમ માનીને નિર્વાહ કરવો જ રહ્યો.
હું પદયાત્રી જૈન મુનિ છું. આ કાર્ય હાથ પર લીધું ત્યારે અમે ગુજરાતથી કર્ણાટક પ્રદેશની વિહારયાત્રામાં છીએ. આ કારણે રૂબરૂ મળવાનું, કાંઈ પડપૂછ કરવાનું કે કોઈ શબ્દ-અક્ષર ન ઊકલે તો તેનો ઉકેલ મેળવવાનું નિતાંત અશક્ય હતું. પત્ર દ્વારા જેટલું પૂછાય ને જવાબ મળે તેમાં જ સંતોષ ધરવાનો. એટલે આ સંપાદનમાં ક્યાંક કશીક શાબ્દિક ક્ષતિ રહી ગઈ હોય તો તેનો ઇન્કાર નહિ કરું. જાણકારો તે ક્ષતિ સુધારી લે તેટલો અનુરોધ જ કરીશ.
આ સંપાદનના કામમાં વધુમાં વધુ સહાયક બન્યા છે ડૉ. નિરંજન રાજ્યગુરુ. મને અપેક્ષિત બાબતોના ખુલાસા મેળવવા માટે તેઓ મારા અરધા વેણે ગોંડલથી નંદિગ્રામ ગયા, બધા ખુલાસા મેળવ્યા, નોંધ્યા; ખૂટતી સામગ્રી શોધી કાઢી, અને તે બધું જ મને “તાર'ની ઝડપે પહોચતું કર્યું. વળી, આ કાર્ય-અન્વયે જ મારી સૂચના મળતાં તેઓ, તેમના મિત્ર પ્રા. રવજીભાઈ રોકડ (જેતપુર) સાથે ઠેઠ બેંગલોર આવ્યા ને ચાર દિવસ રહીને ઘણી સહાય પૂરી પાડી. તેમનો ઋણ સ્વીકાર કરવો જ જોઈએ.
આ સમગ્ર પત્રવ્યવહારમાં કેટલાક પત્રો નથી, ખૂટે છે, તે જોઈ શકાશે. તેમાં ભાયાણી સાહેબના અમુક પત્રો નંદિગ્રામથી મળવા જોઈતા હતા, તે હાથવગા નથી
20.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org