________________
માતા મરુદેવા પુત્રને પ્રત્યુત્તર વાળી ન શક્યાં : પણ આ રીતે એને જતો જોઈ મર્મોચ્છેદક વેદના અનુભવી રહ્યાં.
દેવી સુમંગલા પણ આવીને પાછળ ઊભાં હતાં. એ એકદમ પગ પકડીને બેસી ગયાં અને બોલ્યાં :
“મને સાથે લઈ જાઓ, જીવનમાં કે મૃત્યુમાં.”
દેવી, મૃત્યુના પ્રવાસમાં ઇચ્છા હોય તો પણ કોઈને સાથે લઈ જઈ શકાતું નથી : વિયોગની ઘડીએ પ્રેમની તીવ્રતા સમજાય છે, એ તીવ્રતાના તાપમાં જીવનની વિશુદ્ધિ શોધી લો !'
પહાડ જેવો બાહુબલી માર્ગ વચ્ચે પહાડ બનીને ખડો રહ્યો. “પિતાજી, આપના દર્શન વિના કેમ જિવાશે ?” એણે ગદ્ગદ કંઠે કહ્યું.
“દેહના દર્શન કરતાં અંતરનાં દર્શન પર ધ્યાન દે ! તારી બંસીના સ્વરોને તું પકડી શકે છે ? તું એને કદી જોઈ શકે છે ? છતાં એનું કેવું માધુર્ય અનુભવે છે ?”
સુંદરી અને બ્રાહ્મી ઊભાં ઊભાં આંસુની પાળ રચી રહ્યાં હતાં.
પૃથ્વીનાથે તેઓને ઉદ્દેશીને કહ્યું : “પુત્રીઓ, કોઈનાં આંસુ કદી કોઈનો માર્ગ રોકી શક્યાં છે ? આંસુ અંતરની શુદ્ધિ માટે વાપરો.” ને તેમણે સહુ સ્વજનો તરફ દૃષ્ટિ ફેરવીને આશ્વાસનભર્યા અવાજે કહ્યું :
“જવાનો મારો સમય થઈ ચૂક્યો. જે મહાન શોધ કાજે જાઉં છું એ માટે અનિવાર્ય છે, કે સાગરમાં માછલું સરકી જાય, એમ તમારી વચ્ચેથી સરી જવું. હાથથી છટકી ગયેલા મલ્યને તમે પકડી શકશો ?
“આ આકાશ મારું આશ્રયસ્થાન બનશે, આ ખીણો મારી શેરીઓ થશે. કંદરાઓ અને ગુફાઓ મારાં વાસસ્થાન બનશે. દિશા મારું વસ્ત્ર ને પવન મારો સાથી બનશે. વાચા કરતાં મૌન હવે મને વધુ પ્રિય થશે. શુશ્રુષા ને સેવા, હર્ષ ને શોક બંનેને છોડીને જાઉં છું. સ્વજન કે સ્નેહી બંનેને તજીને જાઉં છું. માન ને અપમાનને મૂકીને જાઉં છું. સંપત્તિ કે સાધનનો સદંતર ત્યાગ કરીને જાઉ છું.
“તમે પૂછશો કે આ બધું શા માટે ? તો એનો ટૂંકો ઉત્તર એટલો જ કે મારા એક મહાસ્વપ્નને સાકાર કરવા, સંસારને વળી એક નવું શાસન આપવા ચિંતન, મનન ને શાંતિ તરફ મારી દૃષ્ટિ હશે. સતત જાગૃતિ ને અનંત એકાંત મારાં સહાયક બનશે.”
વિશ્વતોમુખ ૨૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org