________________
માયાવી માણસો, અંદર પડદો રાખીને વર્તે છે. એમની ચેષ્ટા, એમનું હાસ્ય બધું જ ભયંકર હોય છે. એ રડે છે તોય સમાજનો લાભ લેવાને લોભે; બીજાના હૃદયને પિગળાવી લાભ માટે જ એ આંસુ સારે છે.
આવો માયાવી માણસ એટલે કોણ ? જે પોતે જેવો છે તે ન બતાવે, અને એનામાં જે નથી તે બતાવે છે. અને દુનિયા એવાને જ મુત્સદ્દી કહી શાબાશી આપે છે. એ કદાચ દુનિયામાં જીતી ગયો લાગે છે, પણ એના જીવનમાં એ હારી ગયેલો હોય છે. એટલે પ્રત્યેક માણસે આવી શઠતાનો ત્યાગ કરવો જોઈએ.
માયા વગરની અશઠતાભરી આરાધના જે કરે છે તેને જ મહાનતા વરે છે. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મહારાજે આથી જણાવ્યું કે જે કપડાં ન પહેરે, દિગંબર રહે, સુકાઈ ગયેલું અન્ન ખાય, તપશ્ચર્યા વગેરે કરે, છતાં જો એનું મન માયામાં રંગાયેલુ હોય તો એને અસંખ્ય જન્મો લેવા પડશે.
માયાથી ભરેલું મન એ ખોટું છે. માટે જે કાંઈ પ્રવૃત્તિ, ક્રિયા, આરાધના કરો તે માયા વગરની કરો. અશઠ માણસ બીજાને છેતરે નહિ; એ માયાની જાળ રચતો નથી; જ્યારે શઠ માણસ એની આસપાસ માયાની જાળ ઊભી કરી એક હવા ઊભી કરે છે. પણ આમ છતાં એનામાં કોઈ વિશ્વાસ રાખતું નથી.
આ દુનિયામાં માણસ માટે મોટામાં મોટી જીવનની ભેટ હોય તો તે લોકોનો વિશ્વાસ મેળવવો તે છે. જે માનવી આમ બીજાનો વિશ્વસનીય નથી બની શકતો, તે માનવીએ બીજું બધું મેળવ્યું હશે છતાં એ કાંઈ જ ન મેળવ્યા બરાબર છે.
માયાવી માણસ ધીમે ધીમે ગુરુ, મિત્ર, દેવ, માબાપ બધાને છેતરતો થાય છે. એની એ માયા વધતી જ જાય છે. આવો માણસ આરાધનામાંય પછી દંભ કરતો થાય છે. એની આરાધના, એના તપ પાછળ માયા રમતી હોય છે. આત્મકલ્યાણના આ દેખાવ પાછળેય એની માયા જ હોય છે. આમ છળ-કપટ અને પ્રપંચ કરનાર માણસ એના આવા જીવનને પરિણામે નીચે પડે છે.
અશઠતાભર્યું જીવન એટલે શું ? જેવું મનમાં તેવું વચનમાં; અને જેવું વચનમાં તેવું ક્રિયામાં. ત્રણેય વચ્ચે સુસંવાદ જોઈએ. કહ્યું છે કે,
यथा चित्तं तथा वाचो यथा वाचो तथा क्रियाः ।
धन्यारते त्रितयं येषां विसंवादो न विद्यते ।। બાળકને માયા કરતાં આવડતું નથી તેથી તેના અંતરમાં લાગે તેમ જ એ વર્તે છે. માણસ જો બાળક પાસેથી આટલી પણ શિખામણ લે તોય ઘણું છે. વિચાર, વાણી અને વર્તન ત્રણેમાં આવી સંવાદિતા આવવી જોઈએ.
૮૪ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org