________________
કરવાની દૃષ્ટિને જ્ઞાનીઓએ અયોગ્ય ગણી છે. ધર્મ એ કાંઈ ચમત્કારનો વિષય નથી; એ તો જીવનનો એક આવિષ્કાર છે.
આ અહમ્-ગર્વ ક્યારે જીવનમાં પ્રગટી ઊઠશે તે આપણે જાણતા નથી. ઘણી વાર માણસથી ધન, કુટુંબ, પુત્ર, પત્ની, રાગ, માયા છૂટી શકે છે, પણ અહંકારને એ નથી કાઢી શકતો. ભગવાન બાહુબલિએ સર્વસ્વ છોડી દીધેલું; પણ એક અહંકાર એનામાં રહેલો કે હું મારા ભાઈઓને જઈને ન નમું. એનો આ ગર્વ ત્યારે હજી હણાયો ન હતો.
એ તો અપાર જ્ઞાની હતા. દેહની આસપાસ પંખીઓ માળા બાંધી જાય – ટાઢ, તડકા અને વર્ષા આવી જાય, પણ જેની સાધના અખંડ અને અડોલ રહેલ, જેણે દેહને કંપવા સરખોય નહોતો દીધો, એનેય ગર્વ રહ્યો, કે હું નમું ? આ ગર્વનું દર્શન માણસને બહુ મોડું થાય છે. અંદરથી જ્ઞાનનાં અજવાળાં પ્રગટે ત્યારે જ માણસ એનું ખરું દર્શન પામે છે.
જગતુગુરુ ઋષભદેવને એનો આ ગર્વ જોઈ કરુણા જાગી. એમણે બ્રાહ્મી અને સુંદરીને મોકલી. એમણે આવીને કહ્યું : “વીરા ! હાથી ઉપરથી નીચે આવો'. શબ્દો તો સાદા હતા પણ એની અંદર ભાવ અદભુત હતો. એણે નમવા માટે ડગલું ઉપાડ્યું અને એ જ પળે કેવળજ્ઞાન અને પ્રગટી ઊઠ્યું !
આ કેવળજ્ઞાન આપણા બધામાં છે, પણ વૃત્તિઓનાં આવરણથી આવૃત્ત છે; એટલે પવિત્ર સાધુઓનાં દર્શને, શ્રવણે આપણું એ અંતર ઊઘડી જાય છે. સાધુઓ તો આ માટે માત્ર નિમિત્ત છે. આપણે જે સમજી લેવું જોઈએ કે આવું આંતરજ્ઞાન બહાર નહિ, પણ અંદર પડ્યું છે. માત્ર આપણે એને ઉઘાડવાની ચાવી શોધવાની છે, હાથ કરવાની છે.
ઘણી વાર બળથી નથી થતું તે કળથી, સરળતાથી થઈ જાય છે. આપણને જો સત્યની આવી ગુરુચાવી હાથ લાગી જાય તો અંતરનાં દ્વાર પછી પળવારમાં ઊઘડી જવાનાં છે.
સ્થૂલિભદ્ર અને બાહુબલિનાં આ દૃષ્ટાંતોનો પાઠ આખા જગત માટે છે. આપણે બધાએ આવા ગર્વથી પર થવાનું છે. જેમ ઘરમાં સર્પ ફરતો હોય અને માણસને શાન્તિથી ઊંઘ ન આવે તેમ, ભગવાને કહ્યું કે આપણે અંદરના ગર્વરૂપી સર્પથી સદાય સાવચેત રહેવાનું છે.
આટલા માટે વિનયનો સદ્દગુણ આવશ્યક ગણાયો છે. જ્યારે આપણે આ સમજીશું ત્યારે સાચી કેળવણી આવશે. કેળવણી એ વિનય છે. કણેકને જેમ ગૂંદો, કેળવો તેમ રોટલી સુંદર થાય છે, તે જ રીતે માણસ વિનયથી કેળવાય તો સુંદરનું સર્જન એ કરી શકે છે.
ધર્મરત્નનાં અજવાળાં ૪ ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org