________________
શરીર જીર્ણ થયું છે, તે એને બદલી નાંખીએ. કાળની આ વાત, માણસ સમજતો નથી અને રોવા બેસે છે. ખરી રીતે તો મૃત્યુ એટલે એક નીરસ સ્થાનને છોડી, સરસ સ્થાનમાં જવાનું. એક એવું ઘરડું માણસ હોય કે જેની સામે કોઈ ન જુએ, પણ મરીને એ બાળક થઈ અવતરે એટલે સૌ એને રમાડવા દોડે, ઉપાડી ઉપાડીને બચીઓ કરે. આમાં શું આત્મા બદલાયો છે ? - ના, માત્ર શરીર બદલાયું છે. એટલે તો આપણા જ્ઞાનીઓ માણસ મરતાં એ
પાછો' થયો એમ કહે છે. મર્યો નહિ પણ પાછો” થયો. એટલે કે, પાછો થઈ ગયો, પાછો જન્મી ગયો. આ વાત જો સમજાઈ જાય તો પછી મરણની ભીતિ રહે ? આજે મરણથી લોકો આટલા ફફડે છે તે પછી ફફડે ? આ વિચાર અને નિર્ભયતા, દશ લાખ રૂપિયા ખર્ચો તોય નહિ મળે. મળે માત્ર દિવ્ય નયનથી. આ વાત અંદરથી આવવી જોઈએ – કળી ખીલીને કમળ બને તેમ તમારા અંતરમાં જ આ વિચાર પૂર્ણ રીતે ખીલવો જોઈએ. પછી તમને તમારું જીવન કોઈ જુદું જ, રસભરપૂર બની ગયેલું જણાશે.
આ વિચારને સ્થાયી અને દઢ બનાવવા માટે માણસે સમયે સમયે વિચારતા રહેવું જોઈએ કે, હું કોણ છું ? મારું અહીં શું સ્થાન છે ? અને હું ક્યાં જવાનો છું ? આ વિચારોની સતત ધારાથી આપણે આ બદ્ધ વર્તુલથી પર જઈ શકીશું – રૂપ અને રંગમાં, નામ અને આકારમાં અટવાઈ ન જતાં, તેની પેલી પાર જઈ શકીશું. માણસ જેમ બગીચામાં જઈ હવાફેર કરી આવે તેમ, આપણે પણ ચૈતન્યના સામ્રાજ્યમાં વિહરી, આપણાં મન અને મગજને હવાફેર કરાવી શકીશું.
માણસ એ માત્ર આ શરીર જ નહિ. પણ બીજું પણ “કંઈક' છે. જે આ “કંઈક” છે. જે આ “કંઈક' છે તે આ તનમાં છુપાયેલું છે. તે બહાર ક્યારે આવે ? એના પરનું ઢાંકણ ખસે તો ને ? શીશીમાં અત્તર ભર્યું હોય પણ ઉપર સખત બૂચ હોય તો અંદરની સુવાસ બહાર કેમ પ્રસરે ? એ ઢાંકણ ઊઘડતાં જ જેમ હવામાં સૌરભની માદકતા છવાઈ જાય છે, તેમ ચેતન પણ આ આકારોની દુનિયામાંથી બહાર નીકળી નિરાકારમાં વિહરે, તો એનેય ઘડીભર અપૂર્વની અનુભૂતિ થાય.
માણસને આ અપૂર્વની અનુભૂતિ ન થાય અને માત્ર યંત્રવાદના વાતાવરણમાં જ એ જીવ્યા કરે તો તે દિવસે એવું પણ બને કે માણસ યંત્રનો ઉપયોગ કરે છે તેને બદલે યંત્ર, માણસનો ઉપયોગ કરતું થઈ જાય.
બુનિયાદી વિચારધારા પણ હવે આ જ કહે છે ને કે સાધનને તમે આધીન ન બનો પણ સાધનને તમારે આધીન રાખો. એટલે કે, સાધનથી કામ લો, પણ સાધનની ગેરહાજરીમાં તમે પરવશ કે નિર્માલ્ય ન બનો.
૨૯૪ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org