________________
પણ આને માટે આપણે ગુણના એકલા પ્રશંસક જ નહિ, પણ એના રાગી બનવાનું છે. જેના પર આપણને રાગ હોય તેને માટે જેમ બધું કરવા આપણે તૈયાર થઈએ છીએ, તેમ ગુણાનુરાગી બનવા માટે પણ કરો. જેમ પોતાનું બાળક દાઢી ખેંચે, ધક્કો મારે તોય મીઠું લાગે છે તેમ. કારણ ? એની પાછળ પિતાને બાળક માટેનો રાગ ભર્યો છે.
દુનિયાના રાગી ન બનતાં આપણે હવે ગુણના રાગી બનવાનું છે. જેમ વેપારી માણસ એના વેપાર પ્રત્યેના રાગને કારણે બજારમાં દોડે છે, એમ આપણામાં સગુણ માટેનો રાગ જાગવો જોઈએ; તો તમે ગુણવંત તરફ દોડી જશો, અને કાંઈક મેળવવા પ્રયાસ કરશો. એવા ગુણવાન પાસેથી લૂંટાય એટલું લૂંટ; તમારો જીવનભંડાર સગુણથી ભરો, આ ગુણ, ગુણીજન વ્યક્તિમાં પોતાનામાં હોય છે. હીરાનાં કિરણો હીરાની અંદર રહેલાં હોય છે; મોતીનું પાણી મોતીમાં છે. એના ભૂકામાં નહિ. આમ, આપણે આવા ગુણાનુરાગી ને ગુણવંત પુરુષોના પૂજક બનીશું ત્યારે જ આપણામાં મહાનતા આવશે. ગુણવંતનું સન્માન કરો તો એ ગુણ તમારામાં આવે; પણ આજે એ માનભાવ રહ્યો નથી; આપણે એ કેળવવાનો છે.
બે બ્રાહ્મણો કાશીમાં સંસ્કૃત ભણીને પાછા આવ્યા. બંને એક ધર્મશાળામાં ઊતર્યા હતા. ગામના એક શેઠ ત્યાં આવ્યા અને બેઉને પોતાને ત્યાં જમવા નોતર્યા. એમાંનો એક ન્યાય ભણીને પંડિત થયેલો; બીજો વ્યાકરણમાં પંડિત બનેલો. ન્યાયશાસ્ત્રી કહે કે વૈયાકરણીઓ પિશાચ જેવા હોય છે; તો વૈયાકરણી કહે કે ન્યાય ભણનારા રીંછ જેવા હોય છે. આમ બેઉને, પરસ્પરની વિદ્યા માટે માન નહોતું પણ ધિક્કાર હતો. બેઉ પંડિત થયેલા પણ એમને એમ ન થયું કે સામાની દૃષ્ટિ પણ સમજવા મથું. જો એમ કરત તો એ બેઉ જણ એક બીજાના પૂરક, પ્રશંસક બનત અને પોતે ગુણ મેળવત.
સમાજમાં જુદાં જુદાં ક્ષેત્રોમાં જુદા જુદા લોકો કામ કરે છે. હજામ, ધોબી, કાપડિયો – બધાનું સમાજમાં સરખું સ્થાન છે. એમ ન ચાલે તો દરેક જણ બીજાનો વિરોધક અને વિઘાતક બની જાય. ખરી રીતે તો સમાજ આપણને ઉપયોગી છે, તેમ આ દરેક ધંધાદારીએ સમાજને ઉપયોગી થવાનું છે.
બીજે દિવસે બેઉ પંડિતો પેલા શેઠને ત્યાં જમવા આવ્યાં. બેઉને જુદા ઓરડામાં બેસાડ્યા. બેઉનામાં એકબીજા માટે પૂર્વગ્રહ પડેલો છે. દરેકને એમ લાગે છે કે શેઠને ત્યાં મારા જેટલું માન, બીજાને ન મળવું જોઈએ, કારણ કે મારું જ્ઞાન વધારે ઊંચું છે.
૧૩૮ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org