________________ ધર્મી બનવાનો પ્રયત્ન કરો... ! તમારો ચિત્તનો નિવેશ ક્યાં છે? આટલાં વર્ષ થયાં કદી વિચાર્યું છે કે-હું આ બધું કરું તો છું, પણ મારા ચિત્તનો નિવેશ ક્યાં છે? શ્રી જિનમદિરમાં જાવ છો અને ઉપાશ્રયમાં આવો છો, ત્યારે પણ ચિત્તનો નિવેશ શ્રી જિનમન્દિર અને ઉપાશ્રયમાં હોય છે કે બીજે? આ બધું આત્માને પૂછી જોજો. આત્મા કબૂલ કરે કે-ચિત્તનો નિવેશ તો ધર્મમાં જ છે, તો તો તમે પરમ ભાગ્યશાલી છો એમ માનજો : પણ જોજો, એમાં દંભ ન સેવાઈ જાય ! ધર્મ કોઈને માટે કરવાનો નથી, પરંતુ આત્માને માટે કરવાનો છે. લોકો તમને ધર્મી કહેશે એથી કાંઈ ધર્મનું ફળ નહિ મળી જાય: લોકની વાહવાહ ખાતર ધર્મ કરતા હો તો વાત જુદી છે, પણ આત્મકલ્યાણને માટે ધર્મ કરતા હો તો લોકો ધર્મી કહે એની દરકાર રાખવાનું છોડીને ધર્મી બનવાનો પ્રયત્ન આદરી. ધર્મી કહેવડાવવું અને ધર્મી બનવું. એમાં ઘણો ફેર છે, એ તો સમજો છો ને? -પૂ.આ.દેવ.શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા