________________ શાસ્ત્ર-સંશોધકોને માર્ગદર્શન પૂ. મુનિરાજ અને શ્રી જંબૂવિજયજી મહારાજ સવાસો વર્ષ પહેલાં બંગાળમાં મુર્શીદાબાદમાં રાય ધનપતસિહજીએ શાસ્ત્રીય ગ્રંથો છાપવાની શરૂઆત કરી, ત્યારથી શાસ્ત્રીય ગ્રંથોનો મુદ્રણયુગ શરૂ થયો ગણાય. તે વખતે જે હસ્તલિખિત ગ્રંથો મળ્યા, તેના આધારે તેમણે શરૂઆત કરી. તે સમયે 15 મી કે ૧૬મી વિક્રમની સદીમાં કે તે પછી લખેલા ગ્રંથો જ સુલભ હતા. પ્રાચીન તાડપત્ર ઉપર લખેલા ગ્રંથો જેસલમેર, પાટણ, ખંભાત જેવા સ્થાનોમાં જ મુખ્યતયા હતા. સારા સુંદર પાઠો તાડપત્રમાં હતા. તાડપત્રી ગ્રંથો મળવાની તે વખતે શક્યતા હતી જ નહી. રાય ધનપતસિંહજીએ પ્રકાશિત કરેલાં શાસ્ત્રોમાં પાનાંની જીર્ણતા તથા ટાઈપોની સુંદરતાનો અભાવ આદિ કારણોથી એ ગ્રંથો લોકપ્રિય કે લોકભોગ્ય બન્યા નહિ, તે પછી આગમોદ્ધારક પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજનો યુગ શરૂ થયો. પૂ. સાગરજી મહારાજે એકલા હાથે, પાર વિનાના ગ્રંથોનો વિપુલ રાશિ (ઢગલો) જૈન સંઘ સમક્ષ પ્રકાશિત કરી દીધો. સુંદરમાં સુંદર કાગળો, સુંદરમાં સુંદર ટાઈપોમાં મુદ્રિત કરેલા એ ગ્રંથો આજે પણ ૭૫-૮૦વર્ષ પછી તાજા અને અત્યંત આકર્ષક રહ્યા છે. એથી જ આજેય એનો અભ્યાસીઓમાં સર્વત્ર પ્રચાર છે. આ મોટો ઉપકાર પૂ. સાગરજી મહારાજનો ગણી શકાય, આમ છતાં આ ગ્રંથોનો આધાર તો ૧પમી કે ૧૬મી સદીમાં કે તે પછી કાગળ ઉપર લખાયેલા હસ્તલિખિત આદર્શો જ હતા. પ્રાચીન તાડપત્રી ગ્રંથોમાં લખેલા હજારો શુદ્ધપાઠો તો હજુ અપ્રકાશિત છે. પૂ. પ્રવર્તકશ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્ય પૂ. શ્રી ચતુરવિજયજી મહારાજ તથા તેમના શિષ્ય આગમપ્રભાકર પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી મહારાજે પાટણમાં સતત અઢાર વર્ષ રહીને તાડપત્ર ઉપર તથા કાગળ ઉપર લખેલા સેંકડો હજારો હસ્તલિખિત આદર્શોને વ્યવસ્થિત કર્યા તથા તેનું સૂચિપત્ર (લીસ્ટ) બનાવીને આ ગ્રંથો સુલભ કર્યો. જેસલમેર જઈને, ઘણાં કષ્ટો વેઠીને 16 મહિના રહીને ત્યાંના ભંડારને પણ વ્યવસ્થિત કરીને સૂચિપત્ર (લીસ્ટ) બનાવીને એ ગ્રંથોની પણ જાણકારી આપણને આપી. હવે આ ગ્રંથોનો ઉપયોગ કરીને હજારો શુદ્ધ પાઠો પ્રકાશમાં લાવવા એ આજના સંશોધકોની ફરજ છે. જો કે આ ગ્રંથો મેળવવામાં પણ અવરોધો ઘણા છે, છતાં એનો ઉપયોગ થશે, તો જ ઘણા ઘણા શુદ્ધપાઠો પ્રકાશમાં આવશે, આ નિશ્ચિત હકીકત છે.