________________
પુનઃ મુદ્રણ પ્રકાશન પ્રસંગે વક્તવ્ય... સંસ્કૃત વ્યાકરણના અભ્યાસુ વર્ગનેમાટે અત્યંત ઉપયોગી એવા આ “મપ્રકાશ મહાવ્યાકરણ” ગ્રંથનું પુનઃમુદ્રણ કરી પ્રકાશિત કરવાની એક તક સાંપડી તે બદલ હૃદય આનંદથી ઉલ્લસિત બન્યું છે.
અનાદિ કાળથી ચારગતીમાં જન્મ-મરણ કરતા જગતના જિવાત્માઓની ભાવ કરૂણાથી પ્રેરાઈ શ્રી તીર્થકર ભગવંતો કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તીર્થની સ્થાપના કરે છે. પ્રથમ દેશનામાં ગણધર ભગવંતોને ત્રિપદીનું પ્રદાન કરી દ્વાદશાંગીની રચના કરાવવામાં આવે છે. દ્વાદશાંગી એટલે શ્રુતજ્ઞાનનો મહાસાગર, આત્માને કર્મ બંધમાંથી મુક્ત કરી સહજશુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાની વિદ્યાનો સંગ્રહ દ્વાદશાંગીમાં કરેલો છે.
જિનાગમોનું તલસ્પર્શી અધ્યયન કર્યા વગર મોક્ષમાર્ગની સાધના સમજાય તેમ નથી, જિનાગમોના અધ્યયન માટે પ્રાકૃત-સંસ્કૃત ભાષાનો બોધ અત્યંત જરૂરી છે. જગતની સંસ્કૃત ભાષાનો વિશદ બોધ પ્રાપ્ત કરવા સંસ્કૃત વ્યાકરણનો સચોટ અભ્યાસ જરૂરી છે. શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘સિદ્ધ હેમ વ્યાકરણની રચના કરીને વિદ્વાન-પંડિત જગતમાં જૈન ધર્મનું ગૌરવ વધાર્યું છે. આગમ સાહિત્યને સમજવા માટે. શબ્દોના અર્થ ખોલવા માટે અને શબ્દાર્થના મૂળ સુધી પહોંચવા માટે સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ અનિવાર્ય છે. સિદ્ધહેમની રચનાથી આ અભ્યાસ સુગમ બન્યો છે. - જેમને પણ મોક્ષ પ્રાપ્તિની વિદ્યા મેળવવી છે તેમને સંસ્કૃતનો અભ્યાસ કરવો જરૂરી છે. સિદ્ધ હેમ વ્યાકરણમાં અષ્ટાધ્યાયીના ક્રમથી સંસ્કૃત ભાષાનો બોધ કરાવાય છે. તે વિચક્ષણ બુદ્ધિવાળા માટે બરાબર છે. પરંતુ અભ્યાસુ વિદ્યાર્થીઓને વધુ સુગમતા પડે તે ઉદ્દેશથી મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મ.સા. એ હૈમ પ્રકાશની રચના કરી પ્રક્રિયા ક્રમથી બોધ આપ્યો છે. વર્તમાન સમયે પ્રચલિત સંસ્કૃતની પ્રથમ બુકનો અભ્યાસ કર્યા પછી આ હૈમપ્રકાશનો અભ્યાસ કરવામાં આવે તો સંસ્કૃત વ્યાકરણનો નક્કર અને ક્રમબદ્ધ બોધ થઈ જાય, જેનાથી સંસ્કૃત વાંચન અને લખાણ ખૂબજ સરળ બની જાય.
હૈમ પ્રકાશમાં મૂલ સૂત્રો સિદ્ધહેમનાજ લેવામાં આવ્યા છે, જ્યારે તેની ટીકા પરમ પૂજ્ય શ્રી વિનયવિજયજી મ.સા.એ અનેક વ્યાકરણ ગ્રંથોનું દોહન કરી પછી રચી છે, જેથી આ ટીકા સંસ્કૃત ભાષાનો ઉંડો અભ્યાસ કરવા માટે વાંચવી આવશ્યક છે.
અમદાવાદ નિવાસી પંડિતવર્ય શ્રી અમૃતભાઈ પટેલ છેલ્લા પાંચ વર્ષથી અમારા અભ્યાસુ મુનિઓને સંસ્કૃત-પ્રકૃત વ્યાકરણ, છંદ: શાસ્ત્ર, કાવ્યાનુશાસન વગેરેનું અધ્યયન કરાવી રહેલ છે. ગતવર્ષ સંવત્ ૨૦૬૩નું અમારું ચાતુર્માસ ઘાણીથર (કચ્છ-વાગડ) ગામે થયું હતું. ચાલુ અધ્યયન દરમ્યાન હૈમપ્રકાશનું પુસ્તક જ્ઞાન ભંડાર માંથી પ્રાપ્ત થયેલ, તેની અતિ જિર્ણ અવસ્થા જોતાં પુનઃમુદ્રણ કરવાનો વિચાર આવ્યો. શ્રી ઘાણીથર વિશા ઓસવાલ મૂર્તિપૂજક જૈન સંઘને વાત કરતા તેઓએ સહર્ષ સંપૂર્ણ આર્થિક સહયોગ આપવાનું વચન આપ્યું. વર્તમાન ગચ્છનાયક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ના પણ આશિર્વાદ પ્રાપ્ત થયા.
પ્રખર વક્તા પૂજ્ય શ્રી અમીવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાય શ્રી ક્ષમાવિજયજી ગણિવરે સંપાદિત કરેલ અને ઈ.સ. ૧૯૩૭ વિક્રમ સંવત્ ૧૯૯૪ માં શાહ હીરાલાલ સોમચંદ દ્વારા પ્રકાશિત થયેલ શ્રી હૈમપ્રકાશ મહાવ્યાકરણમ્ ના બન્ને ભાગો ને અક્ષરશઃ યથાવત રાખીને તેનું પુનઃમુદ્રણ કરવામાં આવ્યું છે.
જે સંસ્કૃત વ્યાકરણના અભ્યાસી વિદ્યાર્થિઓને અતિ ઉપયોગી બનશે. પ્રેસદોષના કારણે ક્યાંક કોક અશુદ્ધિ રહી ગઈ હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડમ્.
તીર્થભદ્ર વિજય ગણિ. ભાદરવા વદ ૫, ૨૦૬૪, શ્રી દર્શાવતી તીર્થ
Jain Education International
Fo2
.
& Privage Use Only