________________
અધ્યાત્મોપનિષતુને ઉપાધ્યાયજીએ ૪ અધિકારોમાં વહેંચ્યો છે, તે ચાર અધિકારોનાં નામ પણ બહુ માર્મિક છે. શાસ્ત્રયોગશુદ્ધિ, જ્ઞાનયોગશુદ્ધિ, ક્રિયાયોગશુદ્ધિ અને સામ્યયોગશુદ્ધિ - એવા નામના એ ચાર અધિકારો છે. અહીં તેઓ “શાસ્ત્રશુદ્ધિ’, ‘જ્ઞાનશુદ્ધિ’, ‘ક્રિયાશુદ્ધિ” તથા “સામ્યશુદ્ધિ એવાં નામો રાખી શક્યા હોત. પરંતુ તેમણે તેમ નથી કર્યું. તેમણે આ ચારે પદાર્થોને “યોગ’ ગણાવ્યા અને તે ચારે યોગોની શુદ્ધિનું તેમણે તે તે અધિકારમાં નિરૂપણ કર્યું.
શાસ્ત્ર એ ફક્ત ગોખી કે વાંચી જવાની બાબત નથી, તે તો “યોગ” છે. અને આ વાતને હરિભદ્રસૂરિ મહારાજનું સમર્થન પણ મળે છે. યોગદષ્ટિસમુચ્ચયમાં તેમણે ઇચ્છાયોગ અને સામર્થ્યયોગને જોડતા સેતુને શાસ્ત્રયોગ તરીકે ઓળખાવ્યો જ છે. અને શાસ્ત્ર જ્યારે યોગ બને, અર્થાત્ ધર્મનો યોગ-વ્યાપાર શાસ્ત્ર-આધારિત બને, ત્યારે તેની શુદ્ધિ થવી જ જોઈએ; તે શી રીતે સંભવે ? તેનું બયાન એટલે આ અધિકાર. આ પ્રથમ અધિકારને આ દૃષ્ટિથી વાંચવામાં – વાગોળવામાં આવે તો કાંઈક જુદું જ તત્ત્વ લાધે.
એ જ રીતે જ્ઞાનને અને ક્રિયાને પણ તેમણે ‘યોગ” લેખે જ સ્વીકાર્યા છે. અધ્યાત્મના માર્ગમાં કોરા જ્ઞાનની કે જડ ક્રિયાની ઝાઝી કિંમત નથી હોતી. વળી તેવાં જ્ઞાન અને ક્રિયા લગભગ પરસ્પર-નિરપેક્ષ અને તેથી વ્યર્થ-વિફળ જ હોય. પણ તે બન્ને “યોગ’ ત્યારે જ બને કે જ્યારે બન્ને પરસ્પર-સાપેક્ષ હોય, એકમેકના પૂરક હોય. અને તે બન્નેનું પરસ્પર-સાપેક્ષ હોવું તે જ તત્ત્વતઃ અધ્યાત્મમાર્ગ છે. આવો મર્મ આપણે તારવીએ તો તેમાં કાંઈ અજુગતું નથી થતું.
છેલ્લે આવે સામ્યયોગશુદ્ધિ. “યોગબિન્દુને આધારે ‘સામ્ય-સમતા” તે એક સ્વતંત્ર યોગ તો છે જ. તે યોગની શુદ્ધિની વાત અથવા પ્રક્રિયા આ અધિકારમાં દર્શાવી છે. “સમત્વની સાધના જ સાધનાનું આરંભબિન્દુ છે, અને તે જ સાધનાનું શિખર પણ છે, એવો એક અંદાજ છે, અને તે અંદાજમાં જ આ અધિકાર રચાયો હોય એવી કલ્પના કરવી ગમે.
ઉપાધ્યાયજીના આ ત્રણ અધ્યાત્મપરક ગ્રંથો ઉપર, જો પૂર્વના મહર્ષિઓની પદ્ધતિએ વિવરણ ટીકા લખવામાં આવે, તો પ્રત્યેક ગ્રંથ પર હજારો શ્લોક પ્રમાણ તાત્ત્વિક અને શાસ્ત્રીય વિવરણ થઈ શકે તેમ છે, નિઃશંક. પરંતુ તે માટેની ક્ષમતા અને સજ્જતા, ખાસ કરીને અનુભૂતિના ઘરની સજ્જતા આપણે ત્યાં રહી નથી. છીછરી બાબતોને “પ્રાણપ્રશ્નો” બનાવીને રાચનારા આપણે, શાસ્ત્રોના નામે સતત લડતા-ઝઘડતા રહીને પોતાનું કાર્ય સાધનારા આપણે, કેવી અદ્ભુત ભૂમિકા ગુમાવી બેઠા છીએ, તેનું હવે જ્ઞાન કે ભાન પણ, કદાચ, આપણને નથી રહ્યું.
આ ગ્રંથો ઉપર કોઈ કોઈ વિવરણ થયેલાં મળે છે અવશ્ય, પરંતુ તે બધાં સ્થૂલ શબ્દાર્થવિવેચનથી આગળ જતાં નથી. ગ્રંથના શબ્દના અને ગ્રંથકારના હાર્દ સુધી પહોંચવાની તો તે બધાં પાસે કોઈ ગુંજાઈશ જ નથી. અલબત્ત, તે તે ગ્રંથનો સ્વાધ્યાય કરવા માટે તે જરૂર ઉપયોગી ગણાય. કોઈ કોઈ વિવરણમાં ગ્રંથકારના આશયને જુદી રીતે સમજીને, જે અર્થ ન હોય તેવો અર્થ