________________
ઝાંખી મને ત્યારે ન થઈ. પણ આજથી હું પ્રતિજ્ઞા કરું છું... હવે આડે માર્ગે નહિ જાઉં.''
મેં કહેલી આ એક સત્ય ઘટના છે. એ બાઈ ભણેલ ન હતી પણ સંસ્કારી હતી. એના વિચારોમાં સંવાદ હતો, સ્વચ્છતા હતી. એણે જીવનભર વિચારોને સ્વચ્છ રાખવાનો જ પ્રયત્ન કર્યો હતો. જોકે એને દુઃખ સહેવું પડ્યું, પણ અંતે એના વિચાર, ઉચ્ચાર અને આચારનો વિજય થયો. આખાય કુટુંબને એણે બચાવી લીધું. અધઃપતનની ખીણમાં જતા મોહનને અંતે તેણે તાર્યો. ઝેરી વાતામરણમાં પણ એ અંદરના બળથી ટકી શકી અને જ્વાળા નહિ પણ જ્યોત બનીને જીવનને અજવાળ્યું.
વિચાર એ બીજ છે, આચાર એ વૃક્ષ છે; બીજ ધરતીમાં ગુપ્ત હોય છે, એના પરિણામરૂપ વૃક્ષ બહાર દેખાય છે. આ જ રીતે માણસનું સાચું ચારિત્ર્ય અને સારી ભાષા એ ગુપ્ત એવા સારા વિચારોનું જ પરિણામ છે. બહારથી તમે ટાપટીપ કરો, પણ અંદરના વિચારોને સારી રીતે અલંકૃત ન કરો તો કેમ ચાલે ? બહારની શોભા તો અમુક વર્ષો જતાં નિસ્તેજ બનવાની છે. જીવનના અંત સુધી ગુલાબની જેમ સુવાસ ફેલાવનાર તો અંદરના સુવિચારો જ છે; એ જ તમારી સાચી શોભા છે.
તમારી પરીક્ષા ચાલતી હોય; પાસે તમારી હોશિયાર બહેનપણી પેપર લખતી હોય, ત્યાં તક મળે તો નકલ કરવાનું જતું કરો ખરા ? તમને વિચાર આવે ખરો કે હું ચોરી કરું છું ? આવા પ્રલોભન સામે કોણ ટકી શકે ? જે વિચારક હોય, વિચારનો ચોકીદાર હોય તે. નાની ચોરી મોટી ચોરીને લાવે છે, પણ નાની ચોરીને જ ઊગતાં ડામો તો મોટી ચોરીને પાંગરવાનો સમય જ ક્યાંથી મળે ?
ચોરીનો વિચાર આવે ત્યાં જ તમે સાવધ બનો. એ કેમ આવ્યો તે વિચારો. વિચારનો વિચાર એ જ ‘જીવનની ખરી જાગૃતિ' છે.
કવિતામાં શબ્દ કરતાં વિચાર-ભાવ મુખ્ય હોય છે. વિચાર નિર્માલ્ય હોય અને શબ્દોથી તમે લાદો તો એ કંઈ ઉત્તમ કવિતા ન બને. તેમ, જીવનને તમે સુવિચાર વિના બીજી હજા૨ો વસ્તુથી શણગારશો તો પણ તમારું જીવન ઉત્તમ કવિતારૂપ નહિ બને. એ બહા૨નો ચમકારભર્યો આકાર માત્ર હશે, અંદરના આત્માનો સત્કાર નહિ હોય.
આખાય રામાયણમાં મને કોઈ વધારે આકર્ષક પાત્ર લાગ્યું હોય તો તે સીતાનું. સીતાએ પોતાના વિચારોને એવા શુદ્ધ બનાવ્યા છે કે એની આગળ બળવાન રાવણ પણ નિર્બળ લાગે, અને એ અબળા હોવા છતાં સબળા લાંગે.
Jain Education International
પૂર્ણના પગથારે * ૩૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org