________________
પ્રકરણ ૮ : ઉપસંહાર
૪૪૭
જ
આ રીતે ‘ઉત્તરાધ્યયન'માં તત્ત્વજિજ્ઞાસુ અથવા મુમુક્ષુ માટે જે તત્ત્વજ્ઞાન, મુક્તિ અને મુક્તિના માર્ગનું વર્ણન જોવા મળે છે તે વિશેષ કરીને સાધુના આચાર સાથે સંબંધ રાખે છે. તેનું તાત્પર્ય એવું નથી કે આ ગ્રંથ માત્ર સાધુઓ માટે જ ઉપયોગી છે કારણ કે તેમાં સરળ, સાહિત્યિક અને કથાત્મક શૈલીમાં વ્યવહારોપયોગી ગૃહસ્થ-ધર્મનું પણ પ્રતિપાદન કરવામાં આવેલ છે તેથી તે જનસામાન્ય માટેપણ અનેક દૃષ્ટિએ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ છે. તેમાં ચિત્રિત સમાજ અને સંસ્કૃતિના આધારે ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો અંગે જાણી શકાય છે. જેવી કે : વર્ણાશ્રમ-વ્યવસ્થા, બ્રાહ્મણોનું પ્રભુત્વ અને તેમનું સદાચરણમાંથી પતન, કર્મથી જાતિવાદની સ્થાપના, યજ્ઞોનું પ્રાધાન્ય, વિભિન્ન મતમતાંતર, રાજ્યવ્યવસ્થા, સમુદ્રયાત્રા, વ્યાપાર, ખેતી, વિવાહ, દાહ-સંસ્કાર, પશુપાલન વગેરે.
આ રીતે ધર્મ કે દર્શન ઉપરાંત સાહિત્ય, ઈતિહાસ, ભૂગોળ, ભાષાવિજ્ઞાન અને તત્કાલીન ભારતીય સમાજ તથા સાંસ્કૃતિક આદિની દૃષ્ટિએ પણ આ ગ્રંથનું ઘણું મહત્ત્વ છે. આ કારણે જૈન અને જૈનેતર બધા વિદ્વાનોએ તેની મુક્ત કંઠે પ્રશંસા કરી છે અને તેના ઉપર વિપુલ વ્યાખ્યાત્મક સાહિત્ય લખાયું છે અને હજી પણ લખાતું રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org