SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ પ્રાચીન સમયથી ભારતીય સાહિત્યમાં જૈન વિદ્વાનોનો ફાળો મહત્ત્વનો અને ઉચ્ચ કોટિનો રહ્યો છે. વિચક્ષણ જૈન મુનિઓએ પોતાનાં શાસ્ત્રો ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે પ્રકારના પ્રાકૃત અને સંસ્કૃત વ્યાખ્યા-સાહિત્યની રચના કરી, ઉપરાંત અનેક પુરાણો, કથાનકો, પ્રબંધો, કાવ્યો, નાટકો, સ્તોત્રો, ઇત્યાદિ સર્વ-જન-ભોગ્ય સાહિત્ય-સર્જનની પરંપરા પણ એકધારી ચાલુ રાખી છે. આ વિદ્વાનોના વિદ્યા-વ્યાસંગના પરિણામે તો ભારતીય સંસ્કૃતિના પ્રાચીન વારસાનાં ખતપત્રો સમા જૈન અને જૈનેતર શાસ્ત્ર-ગ્રંથોનો તથા અનેક સાહિત્ય કૃતિઓનો અમૂલ્ય ખજાનો જૈન-ભંડારોમાં આજે પણ જળવાઈ રહેલો મળી આવે છે. જૈન મુનિઓની પ્રવૃત્તિ માત્ર સાહિત્ય-લેખન પૂરતી જ મર્યાદિત નહોતી રહી. તેઓએ લોકકલ્યાણની ભાવનાથી રાજાઓ મારફતે કે શ્રીમંતોની સહાયથી ધર્મસ્થાનો કે મંદિરો, કૂવા, વાવ, વગેરે લોકોપયોગી શિલ્પ-સ્થાપત્યના નિર્માણમાં નિમિત્ત બની સમાજને સર્વજીવોના કલ્યાણનો આદર્શ પણ આપ્યો છે. આવા જૈન મુનિઓએ તેમના સાહિત્ય-ગ્રંથોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની આર્થિક, રાજનૈતિક, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિઓ પર પ્રકાશ પાથર્યો છે, તો શિલ્પવિધાનોને પથ્થરો પર કોતરાવીને કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી પણ પૂરી પાડી છે. અનેકવિધ ઐતિહાસિક માહિતીથી ભરપૂર જૈન કે જૈનેતર પ્રાચીન સાહિત્યકૃતિઓ અને શિલ્પ-સ્થાપત્ય-વિધાનમાં જ ભારતીય સંસ્કૃતિનાં સાચાં દર્શન થાય છે. તેમાં જૈનસાહિત્યનો ફાળો તે જૈનેતર-સાહિત્યને પણ શરમાવે તેવો રહ્યો છે. આ ભારતીય સંસ્કૃતિના વારસાનું રક્ષણ કરવાની જવાબદારી દેશના સત્તાધીશોની તો છે જ, પરંતુ તે વારસાનું સમાજમાં વિતરણ તરીકે જવાબદારી તો દરેક વિદ્વાને—દરેક સંશોધકે—પૂરી કરવાની રહે છે. તેમણે ભારતીય શાસ્ત્રોની કે સાહિત્યની અસંખ્ય રચનાઓના ખડકાયેલા પર્વત ઉપર પરિભ્રમણઅવલોકન કરતાં કરતાં અને વિશાળ મહાસાગ૨કાય સાહિત્ય-કૃતિઓના પેટાળમાં ડૂબકી મારીને પણ પોતાના વિષયને અનુરૂપ પ્રાપ્ય એવી બધી જ વેરવિખેર કડીઓનાં સંકલન કરીને તેમનાં વિશ્લેષણપૂર્વક સંશોધનોમાં સંલગ્ન રહેવું જોઈએ. ઉપરાંત, ભારતીય સાહિત્યમાં મળતી તમામ પ્રકારની વિગતોને સ્પર્શતાં સંશોધનો દેશવિદેશમાં થયાં છે અને આજે પણ થતાં રહે છે. તેવાં સંશોધનો કોઈ ને કોઈ વિષયને—કદાચ, આપણા જ કોઈ સંશોધનક્ષેત્રના વિષયને—સ્પર્શ કરી જતાં હોય છે. આ કારણે, આ બધાં સંશોધનોમાંથી કોઈ વિશિષ્ટ પ્રકારનાં સંશોધનોનો પરિચય પણ દરેક સંશોધક-વિદ્વાને અવશ્ય હોવો જોઈએ. સંશોધનકાર્ય કપરું અને ક્લિષ્ટ તો છે જ, પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ અમુકાંશે દૂર થઈ શકે છે. વિશિષ્ટ સંશોધક-વિદ્વાનોનાં સંશોધન-લેખોનો સંગ્રહ એક ગ્રંથરૂપે પ્રકાશિત થતાં, તેવો ગ્રંથ આવશ્યક સામગ્રી પૂરી પાડીને અન્ય સંશોધક-વિદ્વાનોને ઉપકારક બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy