________________
વાંક દેખાપણું એ વ્યક્તિત્વને ખીલવા દેતું નથી. તેમાંથી ફરિયાદી માનસ જન્મે છે, પછી તે એક ટેવ રૂપે વિકસે છે. જીવ જાતે દુઃખી થવા માટે એ રસ્તે ચાલે છે, આગળ વધે છે.
જે વસ્તુ આપણા હાથમાં હોય તે જાતે જ બદલવી જોઈએ. જે વસ્તુ બીજાના હાથની વાત હોય ત્યાં ચૂપચાપ વેઠી લેવી, કોઇને પણ દોષદીધા વિના. તો તે જીવનના છોડને ઉછેરવાનું ઉત્તમ ખાતર બની જાય છે.
ફરિયાદને નેસ્તનાબૂદ કરવાના બે જ રસ્તા. કાં તો સહન કરી લો કાં પ્રેમપૂર્વક વાત રજુ કરીને બદલાવ લાવી અનુકૂળ પરિસ્થિતિ સર્જી દો.
માત્ર ઘૂંક ઉડાડવાથી અંતરંગ જીવનશક્તિનો હ્રાસ થાય છે. બને તો જીવનમાં નકારાત્મક અભિગમને ન અપનાવાય તે કાળજી રાખવી.
જે રીતે ગુજરાતી વ્યાકરણ શીખવતી વખતે પહેલાં એક કર્તરિપ્રયોગવાળું વાક્ય આપે, અને કહે કે આને કર્મણિપ્રયોગવાળું બનાવી દ્યો. તેમ આપણે પણ જીવનને ઊર્ધ્વગામી બનાવવું છે, માટે કોઈપણ શબ્દ, વાક્ય, પરિસ્થિતિ નકારાત્મક આવી તેને હકારાત્મક બનાવવાની કળા સિદ્ધ કરી લેવી. જેમ કે ઘણીવાર એવું બને છે કે પ્રવચન શરુ થાય ત્યારે આઠ-દશ શ્રોતા ઉપસ્થિત હોય ત્યારે સામાન્ય રીતે એવો સૂર સાંભળવા મળે બધા ઘરે બેસી ગપ્પાં મારે છે, કોઈ આવતું નથી, રસ જ નથી.' ત્યારે મારા મનમાં તુર્ત જ આ વાક્યનું હકારાત્મક સ્વરૂપ આવે. “જેઓ ઘરે છે તેઓ બધાં અહીં આવે તો કેવું સારું! કોઈ એવી વ્યવસ્થા નીપજાવીએ કે અહીં રહેલાં બધાંને આવવાનું મન થાય !” આ વિચારને વહેતો કરવાથી પરિણામ આવે તો સારું આવે!
આપણા જેવા જીવોએ મનને નબળા વિચારોથી, નબળી વાતોથી ખૂબ સાચવવું જરૂરી છે. નબળા વિચારો હડકાયા કૂતરાં જેવા છે તે માટે ચીવટભર્યો ચોકી પહેરો રાખવો. જેથી નબળો વિચાર આપણા દિલના દિવાનખાનામાં પેસતાં વિચાર કરે. થોડી ગફલત થઈને એકાદ પેઠો તો તે જ ક્ષણે તેને દૂર હાંકી કાઢવો.
મનના બગીચાને તાજો-પ્રફુલ્લિત અને સુવાસિત રાખવાનો આ ઉપાય સૂઝે છે. અપનાવી જોઈએ. પછી - ફરિયાદ નહીં રહે! ઉચાટ નહીં રહે! પણ ઉલ્લાસ જ ચોમેર ફેલાતો રહેશે. .
૨૭
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org