________________
ગ્રીષ્મની એક બપોરે.
કુંડગ્રામ નગર, ક્ષત્રિય પરિવારનો મહોલ્લો. સિદ્ધાર્થ મહારાજાનો મહેલ. મહેલના પહેલા માળના એક કક્ષમાં શ્રી વર્ધમાનકુમાર યશોદા વગેરે બેઠાં છે. જેઠ મહિનાના દિવસો છે. વાતાવરણનો બફારો અકળાવે તેવો છે. સત્યાવીસ વર્ષની વયના વર્ધમાનકુમાર પૂર્ણ ગંભીર અને સ્વસ્થ છે. યશોદા કહે છે: ગામ બહારના રાજ ઉદ્યાનમાં જઈએ. વર્ધમાનકુમાર મૌન રહ્યા. એટલામાં ત્રણ યુવક મળવા પધાર્યા. વિનમ્ર સ્વરે બોલ્યા : નગરના વયોવૃદ્ધ વીણાવાદક પોતાની કળા-સાધના દર્શાવવા આવ્યા છે. આવે? શ્રી વર્ધમાનકુમારની મૂક સંમતિ જાણીને પાકટ વયના વીણાવાદક પધાર્યા. વિશાળ જાજમ પર આસન જમાવ્યું. વીણાને આદરપૂર્વક પ્રણામ કરીને તાર મેળવ્યા...પછી ધીરે ધીરે ઉઘાડ થાય તેમ રાગ ભૂપાલીના સ્વર વાતાવરણમાં રેલાવા લાગ્યા. હજુ તો સૂરની જમાવટ થઈ રહી હતી ત્યાં તો વંટોળીયા સાથે વાદળોમાંથી વરસાદની ઝડી શરુ થઈ. નીચે ભોંયતળીયાના ઓરડાની ખુલ્લી બારીઓ બંધ થવા લાગી. માતા ત્રિશલા ત્રણેક સખીઓ સાથે વાતે વળગ્યા હતા ને ત્યાં બારીમાંથી વરસાદની વાછટ અને ફોરા અંદર આવવા લાગ્યા. સખીઓ ઊભી થઈ બારી બારણા આડા કરવા લાગી. કમાડ પણ આડા કર્યા. માતાને અચાનક યાદ આવ્યું. તે સખીઓ સાથે ઉપરના માળે પધાર્યા. વર્ધમાનકુમાર યશોદા સાથે જે ઓરડામાં હતા તેની બારીઓ ખુલ્લી હોય તો તે વાસવાના વિચાર સાથે એ ઓરડામાં પગ મૂક્યો. પણ આ શું? અહીં તો વીણાના મધુર સૂરો રેલાતાં હતા. બહારના વાવાઝોડા સાથેના વરસાદના કારણે સહેજ કાન સરવા કરવા પડે, પણ બારીઓ તો ખુલ્લી જ હતી. બારી પાસે ગયા તો ત્યાં જોયું કે વરસાદની વાછટનું એક ટીપું પણ આ ઓરડામાં આવ્યું ન હતું! ત્યાં પણ વરસોદ તો ત્રાંસી ઘારે જ વરસી રહ્યો હતો. પરંતુ એ મહેલની બહારની ભીંતોને જ પલાળતો હતો. બારીમાંથી અંદર આવ્યા વિના જ ભીંતને અડીને નીચે વરસી જતો. માતા ત્રિશલા તો આ જોઈને અવાક બની રહ્યા. પુત્ર વર્ધમાનના મોંના ભાવ જલદી ન વાંચી શકાય તેવા જણાયા. બહારની કુદરતનો સંયમ ચડે કે વર્ધમાનકુમારનો સંયમ ચડે એ અવઢવમાં માતા બહાર આવી ગયા. વીણાવાદન ચાલતું રહ્યું. કયું સંગીત ચડે? અંદરનું કે બહારનું? પ્રકૃતિ પણ પૂરેપૂરી રીતે શ્રી વર્ધમાનકુમારની સુરક્ષા માટે સંલગ્ન રહેતી હતી. જય હો ! જય હો ! વર્ધમાનકુમારનો જય હો!
૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org