________________
૧૦૮
કેટલીક સ્ત્રીમાં સામી વ્યક્તિને માપવાની શક્તિ કુદરતે દીધી હોય છે, તેવી ભેટ નાગિલાને મળી હતી. તે પામી ગઈ. તેણે કહ્યું, “આ કાયામાં શું જુઓ છો? તમે તો સંસાર છોડ્યો, ઘર છોડ્યું, હજી મને વિસર્યા નથી? જે દિવસે તમે સંયમ સ્વીકાર્યું તે જાણ્યું તે દિવસથી મેં આયંબિલ માંડ્યા છે ! આજકાલ કરતાં બાર વર્ષની વસંત વીતી છે. મેં તો મનને વાળી લીધું. પરિસ્થિતિનો સ્વીકાર કરીને મનઃ સ્થિતિને ઘડીને અન્તર્મુખ બની રહી છું.”
આમ વાર્તાલાપ ચાલતો હતો ત્યાં જ ખડકીનું બારણું ખખડ્યું. એક યુવાન બ્રાહ્મણ પુત્ર દાખલ થયો. નાગિલાના ઘરને અડીને જ બીજું ઘર હતું, ત્યાં બહાર ઓટલા પાસે ઉભા રહી પોતાની માને બોલાવીને કહે છે કે, “એક મોટી કથરોટ આપો, હું સુંદર ખીરનું ભોજન કરીને આવ્યો છું. તેને ઓકી કાઢવી છે, થોડી વધુ દક્ષિણા મળે તેમ છે. તેને ત્યાં થોડું જમીને પછી આ ખીર ખાઈ લઈશ.”
મા કાંઈ જવાબ આપે તે પહેલાં જ ભવદેવમુનિ બોલ્યા, “અરે મૂર્ખ! આ કેવી વાત કરે છે, જે વમી દીધું છે તે ફરી ખાવા ઈચ્છે છે!' - નાગિલાએ તરત તક ઝડપી લીધી. મુનિને કહે, “એને વમેલું ન ખવાય તેમ કહો છો તો તમે શું કરવા આવ્યા છો? તમે મને એકવાર વમી દીધી ને હવે આ હાડ, ચામ, માંસની પૂતળીને મેળવવા આવ્યા છો?'
ભવદેવમુનિ શરમિંદા બન્યા. વચનો સોંસરા વાગ્યા. અંદરનું મન વીંધાયું. મનની બધી જ વિચાર લહેરીઓ શાંત થઈ ગઈ!
નાગિલા મનઃ પરિવર્તનને પળમાં પામી ગયા. કહે કે, “તમે કેવું સુંદર કામ કર્યું છે, હવે હીણું કામ કરવાના કોડ થયા છે !! મારામાંથી મન કાઢીને તરત પાછા વળો, ગુરુમહારાજના ચરણોમાં માથું મૂકીને બધા પાપ આલોવીને શુદ્ધ થઈને બાકીના વર્ષો સંયમ પાળીને આત્માનું કલ્યાણ સાધો, તમે તો ઉત્તમ કૂળના છો.'
ભવદેવ મુનિને કશું જ બોલવા જેવું ન લાગ્યું. એના જેવા બોલ આ અગાઉ ભવદેવના કર્ણપટ પર આવ્યા હતા પણ ત્યાંથી જ પાછા ફર્યા હતા. જ્યારે આ શબ્દો તો સીધાં હૃદયને જ સ્વર્યા અને તેમની વૃત્તિઓ ઉર્ધ્વમુખી બની, તેઓ ગુરુ શરણે જઈ સંયમી બન્યા !
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org