________________
ધર્મ આધારિત અર્થ વ્યવસ્થા
અનીતિ કે અપ્રમાણિકતાની આચરણા કરતાં પણ અનીતિ કે અપ્રમાણિકતા પ્રત્યેની શ્રદ્ધા વધુ ખતરનાક છે. આજના યુગમાં આ બન્ને વધ્યા છે તેની ચિંતા છે જ પણ વધુ તો અનીતિ અને અપ્રમાણિકતો પ્રત્યેનો જે લગાવ છે તે વધુ ખટકે છે. નીતિ પ્રત્યેની શ્રદ્ધા એ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાનું દ્વાર છે. નીતિ એ ધર્મનું પહેલું પગથીયું છે. એ વિના ધર્મમંદિરે જવાય શી રીતે ?
પશ્ચિમના દેશોના સતત અને સખત સંપર્ક વધવાથી ત્યાંના ભોગપ્રધાન વિચાર પ્રવાહો આપણાં પર છવાઈ ગયા તેથી ભૂખાળવા થઈને તમામ પ્રકારના ભોગો ઉપર અકરાંતરિયા થઈને જે તુટી પડવાનું શરૂ થયું એ ભોગ ભોગવવા માટે પુષ્કળ અર્થ (પૈસો) જોઈએ. વળી ભોગના અતીરેકથી રોગ આવે એને ભગાડવા પણ અર્થ જોઈએ. એમ, અર્થની જરૂરીયાતનું બેવડું ભારણ આવ્યું. છેવટે યેન કેન પ્રકારે અર્થને ભેગો ક૨વામાં જ માણસ દિવસ-રાત દોડતો થઈ ગયો અને જીવન જીવવાની કળા ભૂલી ગયો. શ્વાનની જેમ જાતને ખોતરી સુખનો અનુભવ કરી રહ્યો હોય તેમ જણાય છે. સહજ સુખને ભોગે તે આમ દુઃખ નોતરી રહ્યો છે !
આ તો નજરે જોયેલો દાખલો છે. કૂતરું ક્યાંક ઉકરડે પડેલ હાડકાના ટૂકડાને લઈ આવે અને ગલીના કો’ક ખૂણે ભરાઈને બેસે. હાડકાના સુક્કા ટૂકડાને મોંમા લઈ ચાટે. એમાંથી કાંઈ સ્વાદ ન આવે એટલે બે દાંત વચ્ચે મૂકીને ભીંસ દે. ભીંસ એવી કે તેના જ પેઢામાંથી લોહી નીકળે. એ લોહી ચાટી હાડકું ચૂસવાનું આભાસી સુખ માણે ! બસ, આવી જ રીતે દોડાદોડ કરી, સાવ નિઃસાર જણાતા પદાર્થોના ભોગવટાથી પોતાને સુખ મળી રહ્યું છે તેમ માનીને જીવતા માણસની કૂતરા સમી કથની છે !
માણસે પોતાના જીવનમાં સર્વોપરિ સ્થાન પૈસાને આપ્યું. રગરગમાં પૈસો વણાઈ ગયો ! દુકાન, ઘર તથા સમાજ-સંબંધ સુધી પૈસાનું સામ્રાજ્ય ફેલાયું હોત તો સમજત કે આ ઝેર ઉતારવા અન્ય કોઈ પરિબળ કામ આવશે. પણ, જે પરિબળથી આ ઝેર ઉતારી શકાય એવા ધર્મસ્થાનોને પણ તેના આ પૈસાથી અભડાવી દીધા છે !
Jain Education International
અને આ પૈસો પણ કેવો ? જ્ઞાની પુરુષોએ જે જે ધંધાઓ ક૨વાની ના કહી છે તેવા ધંધાઓમાંથી આવેલો ! આજીવિકા માટે તો સહુ કોઈએ વ્યવસાય કરવો પડે. તે ઓછામાં ઓછા પાપવાળો હોવો જોઈએ કેમકે જે વ્યવસાયમાંથી ધનનું ઉપાર્જન થાય છે તેની અસર તે ધન ઉપર હોય છે. પાપનો પૈસો પાપ સૂઝાડે. નીતિનો પૈસો પુણ્ય સૂઝાડે. કોઈની ‘આહ'નો પૈસો, કોઈની આંતરડી દુઃભાવીને રળેલો પૈસો, કોઈની આજીવિકા કચડીને મેળવેલો પૈસો સુખી ન જ કરે. પૈસો તો અન્યને સુખી કરીને મેળવેલો જ હોવો જોઈએ.
વળી સજ્જનનું લક્ષણ ધનના ઢગલા કરવામાં નથી. ધનની મૂર્છા ઉતારવા, પોતાને ઉપકારી એવા ધર્મ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરવા તથા તે દ્વારા ધનની સાર્થકતા સંપાદન કરવા માટે ધર્મના વિધવિધ ક્ષેત્રોમાં સર્વ્યય કરે. આવા આશયથી દેવાતું દાન પણ લેનારને લેવાનો બોજ ન લાગે અને દેનારને પણ આપ્યાની હળવાશ અનુભવાય.
આવું થાય તો, આજકાલ અર્થ આધારિત ધર્મવ્યવસ્થાના જે વરવા દર્શન થાય છે તેને બદલે ન૨વા દર્શન થાય. ધર્મ એ આત્માની પાસે પહોંચવાનો રાહ છે તેને અર્થ-કામની છાયામાંથી પણ અલિપ્ત રાખવો હિતાવહ છે.
આજે ધર્મની કોઈ પણ પ્રવૃત્તિની વાત આવશે એટલે સંસારની જેમ પહેલી વાત ધનની જ આવશે. ધન માટે ધનવાનો તરફ નજર દોડાવવી પડશે. ધર્મને પુષ્ટ કરવા માટે ધનવાનોને બિનજરૂરી મહત્ત્વ આપવું પડશે. ધર્મક્રિયાઓ શુદ્ધ-સાત્વિક અને નિરાપદ બનવી જોઈએ. ધન અને ધનવાનોને અપાતા મહત્ત્વને કારણે આ અશક્ય બને છે.
જીવ માત્રને સાચી શાંતિ, અભય અને આનંદનું પ્રદાન કરનાર ધર્મને એના મૂળ સ્વરૂપમાં જાળવી રાખવો તે આપણી અનિવાર્ય ફરજ છે. જીવનમાં નીતિનો પાયો હશે તો જ જીવન-મંદિરના ધર્મનો ચળકતો રહેશે.
કળશ
For Private & Personal Use Only
મનન : ૨૧૩
www.jainelibrary.org