________________
દીક્ષા પછી પંદર દિવસમાં વિહાર થયો. ‘ભણવાના દિવસો છે' --એવું સતત સંભળાતું રહ્યું. મનની સરળતાની સાથે-સાથે ચંચળતા પણ એટલી જ પ્રબળ હતી, જે આજે પણ સાવ ગઈ છે એમ કહી શકાય એવી સ્થિતિમાં નથી. અભ્યાસમાં મન લગાડ્યું. પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથઉત્તરાધ્યયન- ઉ. ભાવ વિ. કૃત વૃત્તિ --આ બધું ઉત્તરોત્તર ભણવાનું મારા ગુરુ મહારાજ પાસે ચાલ્યું. તો, સંસ્કૃતભાષાનું વ્યાકરણ, હિતોપદેશ, રઘુવંશ, તર્કસંગ્રહ, મુક્તાવલિ, કિરાત, માઘ વગેરે, મૈથિલ પંડિત બંસીધર ઝા પાસે થયું. હા, ચન્દ્રપ્રભાવ્યાકરણની આવૃત્તિ, નિયમિત રીતે રોજ બપોરે, પુજ્ય ઉપાધ્યાયજી મહારાજ સંભળાવતા. મનમાં ભય રહેતો, આવૃત્તિ સંભળાઈ જાય એટલે “હાશ' થાય. વચ્ચે ચારેક મહિના ટાઇફોઈડની માંદગી આવી. સમય વીતતો ગયો. પાંચ ચોમાસા વીત્યા બાદ વિ. સં. ૨૦૨૨માં સુરતમાં, એ જ નેમુભાઈની વાડીના ઉપાશ્રયમાં પૂજ્ય આચાર્યશ્રી ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજના ચરણોમાં બેસવાનું થયું. તેમણે મને સાહિત્યની દીક્ષા આપી. નૈષધ મહાકાવ્ય અને અઢાર હજારીથી પ્રારંભ થયો ! સંસારી ભાઈ ધનસુખભાઈના સંપર્કમાં સાહિત્ય અનુરાગનાં બીજ રોપાયાં હતાં, તેને અંકુરિત થવાનું યોગ્ય વાતાવરણ મળવા લાગ્યું અને તે ધીરે-ધીરે નવપલ્લવિત થયું, પુષ્પિત થયું. પછીનાં વર્ષોમાં તે બીજકો ફલિત થયાં અને તેમાંથી પુનઃ–પુનઃ નવાં બીજ પાંગર્યા, પાંગરતાં રહ્યાં. 1 સુરતના એ, વિ. સં. ૨૦૨૨ના ચોમાસામાં દૃષ્ટિનું દાન થયું. પૂજ્ય આચાર્ય શ્રી અમૃતસૂરીશ્વરજી મહારાજ પણ સાહિત્યના જીવ હતા. જેમ નવા ઘડામાં પાણી આપોઆપ, ઘડાની બહારની સપાટી ઉપર ઝમે તેમ તેઓશ્રી પાસેના વાતાવરણમાં, સાહિત્યના આલંકારિક સંસ્કૃત શ્લોકો, સુભાષિતો, કથાનકો તથા ઉધ્ધત અંશો સતત ફોરતાં અને મહેકતાં રહેતાં. સં. ૨૦૨૨-૨૩-૨૪ એમ ત્રણ ચોમાસામાં તો આ બધા વિષયોનો પાયો ચણાતો ગયો, સીસું પુરાતું ગયું અને મરામત થતી રહી. સમગ્ર સંસ્કૃત સાહિત્યની પ્રતિનિધિ રચનાઓના આસ્વાદની સાથે-સાથે ગુજરાતી સાહિત્યના ઉત્તમ અંશો તરફનો તલસ્પર્શ થાય તેવી આસ્વાદલક્ષી વિવેચના થતી જ રહે. કલાકો ખૂટે પણ એ રસ ન ખૂટે ! દિવસે અને રાત્રે પણ, એ બધું ઘોળાતું રહે, ઘૂંટાતું રહે. પછી તો વિહાર દરમિયાન પણ, આ બધું વારંવાર મમળાવવું ગમે એવું બનતું રહે. અરે ! તેઓશ્રીએ તો, ગામડાના શિયાળાની ઊઘડતી રાતે કે વહેલી સવારના પૂર્વાકાશ અને ઉત્તરકાશમાં સતત ચમકતાં અને ચળકતાં તારાના ઝમખાંનો, ગ્રહોનો રસાળ પરિચય કરાવ્યો છે ! તેને અનુસરતી વાતો અને વાર્તાઓ પણ કલાકો સુધી ચાલે. એક વિષયમાંથી બીજા વિષય પર, એમાંથી ત્રીજા અને ચોથા વિષયોમાં કૂદવાનું; વળી ખયાલ આવતાં મૂળ વાત પર પાછા ફરવાનું ખૂબ બનતું ! કંઠસ્થ થયેલા સંસ્કૃત શ્લોકોને છંદવાર બોલવાનું, તેમાં સ્પર્ધા સ્વરૂપે ક્યારેક નવીન રચના કરવાનું બનતું. ત્યારે કાવ્યશાસ્ત્ર-વિનોદને મન ભરી માણ્યો છે, જેની સ્મૃતિ આજે પણ ચિત્તને ઝંકૃત કરે છે. અંદરનો આંતરમાનસપિંડ આમ અનાયાસે બંધાતો હશે એમ આજે લાગે છે. અનુયોગદ્વાર સૂત્રની વાચના વખતે, પૂજ્યશ્રી પાંચ પદના એકસોવીસ ભાંગા પેન-કાગળ વિના આંગળીના વેઢે ગણાવતા અને ગણવા પ્રેરતા ! ગણિતના ક્ષેત્રે તેમની કાબેલિયત કાબિલેદાદ હતી.
આ બધું આજે યાદ આવે છે ત્યારે તેઓશ્રી પ્રત્યે અહોભાવ અને કૃતજ્ઞતાના ભાવથી હૃદય ભરાઈ આવે છે. તેઓશ્રી પ્રત્યેના ઋણભારથી મસ્તક ઝૂકી જાય છે. તેઓશ્રીમાં આ જ્ઞાનના પરિપાક રૂપ સમતાભાવી સિદ્ધિના વિરલ દર્શન, ઉત્તરોત્તર વર્ષોમાં થયા. “સમતા રસના દરિયા” એ શબ્દ ઉચ્ચારતાં તેઓની જ્ઞાનદશા અચૂક યાદ આવી જાય ! દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત --એ શબ્દો
જ્યારે સાંભળવા મળતા ત્યારે દેહ છતાં દેહભાર ન હોય તે કેવી રીતે હોઈ શકે ! કેવું હોય ! એ જિજ્ઞાસા વર્ષોથી હતી, તે સાવ સમીપથી જોવા મળી તેને મારું અહોભાગ્ય માનું છું. આવા જ્ઞાની પુરુષો આપણી આજુબાજુ હોય અને તેઓશ્રીમાં આવું દર્શન થવું એ જીવનનો અણમોલ લહાવો છે.
નિવેદન: ત્રેવીસ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only