________________
માલવેશ્વરનું રાજગૃહિમાં આતિથ્ય સત્કર.....
૧૯૫ ફરીવાર પ્રદ્યોતનરાજાએ જવાની રજા માંગી, ત્યારે શ્રેણિકે જવાની તૈયારી કરાવી; અનેક હાથી, ઘોડા, રથ, અભૂષણ તથા વસ્ત્રાદિક આપીને તથા વિવિધ પ્રકારના જુદા જુદા દેશોમાં ઉત્પન્ન થયેલા પદાર્થો ભેટ કરીને તેમને સંતોષી મોટા આડંબરપૂર્વક જવાની અનુજ્ઞા આપી. ધન્યકુમારે પણ પ્રથમ કોઈ વખત નહિ જોયેલાં તેવાં વસ્ત્રો, તથા અભૂષણો પોતાના એક વખતના સ્વામી મહારાજા ચંડપ્રદ્યોતનને ભેટ ધર્યા. ત્યારપછી પ્રદ્યોતનરાજા, ધન્યકુમાર તથા અભયકુમારના ગુણોનું વર્ણન કરતાં રાજગૃહીથી ભવ્ય વિદાયમાન સાથે નીકળ્યા.
મગધપતિ શ્રેણિક, ધન્યકુમાર, અભયકુમાર ઇત્યાદિ અધિકારીઓ ઘણા રાજસેવકો તથા નગરજનો વળાવવા માટે કેટલીક ભૂમિ સુધી સાથે ગયા. તે સ્થળે અભયકુમારે પોતે કરેલ અપરાધની ફરીથી ક્ષમા માંગી. આંખમાં આંસુ લાવીને પ્રદ્યોતનરાજા બોલ્યા : “મને તો તારો દંભરચનાનો પ્રકાર સુખ માટે થયો, પણ હવે તારો વિયોગ દુઃખ માટે થાય છે.” અભયકુમારે તે સાંભળીને કહ્યું : “સ્વામિન્ ! ફરીથી હું આપના ચરણારવિંદનાં દર્શન કરવા માટે જરૂર આવીશ. મને પણ આપ પૂજ્યનાં ચરણનો વિરહ બહુ દુષ્કર લાગે છે, પણ હું શું કરું? રાજ્યના ભારથી દબાયેલો હું બહાર નીકળવા સમર્થ થઈ શકતો નથી, તેથી સેવક ઉપર વિશેષ કૃપા રાખજો.”
પરસ્પર સ્નેહ દેખાડતાં અને નમસ્કાર કરતાં બહુ સૈન્યના પરિવારવડે પરવરેલા પ્રદ્યોતનરાજા ઉજ્જયિની તરફ ચાલ્યા.
રાજગૃહીથી નીકળેલ મહારાજા ચંડપ્રદ્યોતન ઉતાવળા-ઉતાવળા પ્રવાસો ખેડતા ક્ષેમકુશલ જલ્દી ઉજ્જયિની નગરીમાં પહોંચ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org