________________
૧પ૦
ધન્યકુમાર ચરિત્ર તે ચાર કળશાઓમાં જે કળશ મોટા પુત્રના નામ ઉપર હતો, તે કુંભમાં શાહી, શાહીનો કુંપો તથા ચોપડા અને લેખિની-કલમ મૂકેલાં હતાં. શુભ અંત:કરણવાળા બીજા પુત્રના કળશમાં જમીન ઉપર ઉપજેલી માટી, રેતી વગેરે મૂકેલાં હતાં. ત્રીજા પુત્રના નામાંકિત કળશમાં હાથી, ખચ્ચર, ઘોડા, ગાય, બળદ વગેરેનાં હાડકાંનો જથ્થો મૂકેલો હતો અને ચોથા નાના પુત્રનાં કળશની અંદર તેજોમય, ઝળહળાટ કરતી આઠ કરોડ સોનામહોર મૂકેલી દેખાતી હતી. તેની સોનામહોરથી ભરેલો કળશ દેખીને બીજા ત્રણે ભાઈઓ કૃષ્ણપક્ષની ચૌદશની રાત્રીની જેમ બહુ શ્યામ મુખવાળા થઈ ગયા.
ચોથો પુત્ર શ્યામદેવ તો સોનામહોરથી ભરેલ પોતાનો કળશ દેખીને બહુ સંતોષ પામ્યો. ખરેખર રોકડું દ્રવ્ય મળવાથી કોણ રાજી થતું નથી ? આ ચોથો ભાઈ નાનો હતો, છતાં પણ તે લક્ષ્મી વડે મોટાઈ પામ્યો. નાનો મણિ પણ કાંતિવાળો હોય તો શું કિંમત નથી પામતો ?
ત્રણે ભાઈઓ લોભથી તેમનાં મનમાં ક્ષોભ થવાથી તેઓ દુર્ભાવ પામ્યા, એટલે પોતાને ન શોભે તેવાં હલકાં વચનો તેઓ પોતાના નાના ભાઈને કહેવા લાગ્યા અને તે સોનામહોરમાં પોતાનો ભાગ માંગવા લાગ્યા. તે સાંભળીને શ્યામદેવ કહેવા લાગ્યો, “મારા નામનું પિતાએ આપેલ દ્રવ્ય હું તમને આપીશ નહિ, મારા ભાગ્યથી મને જે મળ્યું તે હું જ ગ્રહણ કરીશ. પાપના ઉદયથી તમારા કળશમાં ધન ન નીકળ્યું, તેમાં હું શું કરું? કદાચ તમારા ત્રણમાંથી કોઈએ લોભથી તે બધાયમાંથી દ્રવ્ય લઈ લીધું હશે તો પણ કોને ખબર છે ? તેમાં મારો શો દોષ ? દોષ તમારા કર્મનો જ છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org