________________
૧૪૪
ધન્યકુમાર ચરિત્ર તીર્થયાત્રા, રથયાત્રા, કલ્યાણકના ઉત્સવો અને સાધર્મિક વાત્સલ્ય ઇત્યાદિકમાં ઘણું ધન ખર્ચીને તે પત્રમલ્લ શેઠ દુર્લભ એવા મનુષ્યભવને સામગ્રી યુક્ત પામેલ હોવાથી સફળ કરતો હતો. આ રીતે ધર્મ, અર્થ, કામ-આ ત્રણ વર્ગની સાધના કરતાં અનુક્રમે તે વૃદ્ધત્વને પામ્યો. એક દિવસે પાડાઓથી દેડકાઓ વ્યાકુળ થઈ જાય, તેમ શરીરના રોગો વડે તેની ચેતના ઘણી વ્યાકુળ થઈ ગઈ, તે મૂંઝાઈ ગયો. તે વખતે શરીરમાં પ્રવેશેલ રોગોથી મરણને નજીક આવેલ જાણીને બત્રીસ દ્વારવાળી (બત્રીસ પ્રકારની) મોટી આરાધના કરવામાં તે સાવધાન થઈ ગયો.
એ અવસરે તેણે પરિગ્રહાદિક ઉપરના મોહ-મમત્વનો ત્યાગ કરવા તથા તે ઉપરની મૂચ્છ ઘટાડવા પુત્રોને બોલાવીને તેણે કહ્યું, “પુત્રો ! મારું વચન સાંભળો. આ જગતમાં ધનરહિત પુરુષનું કોઈ પણ સ્થળે તમે ગૌરવ જોયું છે ? તેનું સન્માન થતું સાંભળ્યું છે ? કસ્તુરી પણ સુગંધ રહિત હોય તો તેનો કોણ સ્વીકાર કરે છે ? તેથી લક્ષ્મી જ ખરેખરી ગ્લાધ્ય છે કે જેના પ્રતાપથી કલંકવાળો પુરુષ પણ લોકોને અને દેવોને માનનીય થાય છે, પણ જેવી રીતે અનેક સ્ત્રીઓવાળો પુરુષ સ્ત્રીઓનો પરસ્પર કલહ સાંભળીને વ્યાકુળ થઈ જાય છે, તેવી રીતે લક્ષ્મી પણ જો તેનો પોતાનો ખોટા માર્ગે વ્યય કરતો જુએ તો તે વ્યાકુળ થઈ જાય છે. જેવી રીતે કાદવથી મલિન થયેલી પૃથ્વી કમળની નિષ્પત્તિના હેતુભૂત થાય છે, તેવી જ રીતે પાપથી ઉપાર્જિત થયેલી પણ લક્ષ્મી પુણ્યબંધના હેતુરૂપ થાય છે; જો તેનો વિવેકપૂર્વક સુપાત્રમાં સદુપયોગ થાય તો વિવેકશીલ પુણ્યવાન પોતાને પ્રાપ્ત થયેલ લક્ષમી વડે દેવમંદિર, જિનપ્રતિમા, સંઘસેવા, તીર્થયાત્રાદિ ધર્મનાં કાર્યો કરીને ઉત્તમ પુણ્યબંધ કરે છે. આ કારણે ધર્મપરાયણ સંસારી જીવોને લક્ષ્મી આ ભવમાં તથા પરભવમાં બંને સ્થળે ઇષ્ટ હેતુરૂપ હોય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org