________________
કલા અને બુદ્ધિનો વિલાસ
૧૩૯ અહો ! આનું સૌભાગ્ય કેવું છે, કોઈ વખત નહિ જોયેલો અને નહિ સાંભળેલો મૃગોનો તથા મનુષ્યોનો મેળાપ નિઃશંક રીતે આ ભાગ્યશાળીએ કરાવ્યો અને દેખાડ્યો.” “બહુરત્ના વસુંધરાએવું લોકવાક્ય ધન્યકુમારે સાર્થક કરી બતાવ્યું. આ રાજકુમારી પણ પૂર્ણ ભાગ્યશાળી છે કે જેની આવી પ્રતિજ્ઞા તેના મનોરથને અનુકૂળ રીતે આ પુણ્યવાને પૂર્ણ કરી.
આમ રાજા, મંત્રી ઈત્યાદિ સર્વ સમૂહ વડે પ્રશંસા કરાયેલા અને અભિનંદન અપાયેલા ધન્યકુમારના કંઠમાં તે સમયે ગીતકળા રાજકુમારીએ વરમાળા આરોપણ કરી અને પૂર્ણ પ્રતિજ્ઞાવાળી થયેલી તે કન્યાનું જિતારી રાજાએ હર્ષપૂર્વક તિલક કરીને ધન્યકુમારની સાથે પાણિગ્રહણ કરાવ્યું. શુભ દિવસે અને શુભ મુહૂર્ત તે રાજકુમારીનો પાણિગ્રહણનો મહોત્સવ થયો. કરમોચનના સમયે રાજાએ સેંકડો હાથી, ઘોડા, રથ, ગામ વગેરે ધન્યકુમારને આપ્યા. જિતારી રાજાના આગ્રહથી પોતાના ઉત્તમ ગુણો વડે સર્વના ચિત્તને આશ્ચર્ય પમાડતા ધનસાર શ્રેષ્ઠીના સુપુત્ર ધન્યકુમાર કેટલાક દિવસો તે નગરમાં રાજાએ આપેલા આવાસમાં રહ્યા.
જિતારી રાજાના સુબુદ્ધિ નામના મંત્રીની સરસ્વતી નામે પુત્રી હતી. તે સરસ્વતીના જેવી જ સર્વ વિદ્યાઓનાં રહસ્યને સમજનારી અને ગ્રહણ કરનારી હતી. તેની બુદ્ધિ સર્વ પ્રહેલિકાઓમાં, ગૂઢ પ્રશ્નોત્તરોમાં, સાંકેતિક સમસ્યાઓની પૂર્તિ કરવામાં બહુ સારી ચાલતી હતી. કોઈ સ્થળે તેની સ્કૂલના થતી નહિ, તે બુદ્ધિમાં તીક્ષ્ણ હતી, તેમાં પણ આલંબન વગર જ સાધી શકાય તેવી ઔત્પાતિકી બુદ્ધિમાં તો તે અતિશય કુશળ હતી. આવી બુદ્ધિશાળી સરસ્વતીએ અભિમાન વડે એવી પ્રતિજ્ઞા કરી હતી કે, “જેનું કહેવું હું ન સમજી શકું અને મારું કહેલું જે સર્વ સમજી શકે, તે જ મહાપુરુષને મારે સ્વામી તરીકે સ્વીકારવો.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org