________________
૧૦૬
ધન્યકુમાર ચરિત્ર એક સમયે સૌભાગ્યમંજરી દૂરથી જ વનમાં લાગેલા દાવાનળથી બનેલી આંબાના વૃક્ષની શાખા જેવી શોભારહિત સુભદ્રાને છાશ લેવા માટે આવતી જોઈને વિચારવા લાગી કે, “આ મજૂર સ્ત્રી કોઈ પણ ઉત્તમ કુળમાં જન્મી હોય તેમ જણાય છે. કારણ કે, રૂપ, લાવણ્ય, મર્યાદા, વિનય, વાણી વગેરેથી તેનું કુલીનપણું અને સુખીપણું સ્પષ્ટ દેખાય છે. પરંતુ તે હંમેશની જન્મની દુઃખિની હોય તેમ જણાતું નથી, પ્રથમ તેની પ્રીતિ મેળવીને પછી હું તેને બધું પૂછીશ.' આ રીતે વિચાર કરીને તેણે સુભદ્રાને આદરથી બોલાવી. વિસામો લેવા માટે એક સારી માંચી પર બેસાડી, પોતે પણ નજીકના આસન ઉપર બેઠી, પછી કુશળક્ષેમની વાર્તા કરતાં સૌભાગ્યમંજરીએ પૂછ્યું, “બહેન ! હું અને તું હવે બહેનપણી થયાં. જ્યારે બહેનપણાં થાય છે, ત્યારે પછી પરસ્પરમાં અંતર રહેતું નથી,' કહ્યું છે કે, “દેવું, લેવું, ગુહ્ય કહેવું અને પૂછવું, ખાવું અને ખવરાવવું' આ છ પ્રીતિનાં લક્ષણો છે. તેથી જો તારી મારા ઉપર નિર્મળ અંત:કરણવાળી પ્રીતિ હોય તો મૂળથી માંડીને તારી બધી વાત મને કહે, શું સ્ફટિક જેવી ચોખ્ખી ભીંત પોતાના અંતરમાં રહેલી વસ્તુને કોઈ પણ વખતે ગોપવી શકે છે ?
આ પ્રમાણે પ્રશ્ન થવાથી સુંદર મુખવાળી સુભદ્રા લજ્જાથી નીચું મુખ કરીને બોલી, “બહેન ! મને શું પૂછો છો?' મારા દુર્દેવને જ પૂછો, કર્મના ઉદયથી મારા દુઃખના અનુભવની વાર્તા કહેવાથી સર્યું ! ઊલટું મારા દુઃખની વાર્તા સાંભળવાથી તમે પણ દુઃખી થશો, તેથી તે વાત ન જ કહેવી તે ઉત્તમ છે. આવો ઉત્તર સાંભળી સૌભાગ્યમંજરીએ કહ્યું, “બહેન, તું કહે છે તે વાત પ્રીતિપાત્ર પાસે તો કહી શકાય છે. વળી હું પણ જાણી શકીશ કે મારી સખીએ આટલી સીમા સુધીનું દુ:ખ સહન કરેલું છે. તેથી જેવું બન્યું હોય તેવું કહે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org