________________
ખંડ પહેલો.
૧૫.
ભોગોપભોગ અને ઐશ્વર્યની વચ્ચે સુખથી રહેનારા સંસારીઓ, અગ્નિશર્માના માસોપવાસના આ છેલ્લા દિવસોની કપરી કસોટી કદાચ નહિ સમજી શકે. લાંબા ઉપવાસના આરંભના તેમજ અંતના દિવસો તપસ્વીના સંયમ-સાગરમાં મોટાં તોફાનો સર્જે છે. એક પળની પણ ભૂખ કે તરસ જેમનાથી સહન થઈ શકતી નથી, આહાર અને ઇન્દ્રિયોના વિષયોની પરિતૃપ્તિ સિવાય જેમનું બીજું કોઈ ધ્યેય નથી તેમને મન અગ્નિશર્માની ઉગ્ર તપશ્ચર્યા આત્મઘાતનો જ એક પ્રકાર લેખાતો હશે.
ગમે તેમ, પણ પાંચ દિવસ પૂરા થતાં તપસ્વી અગ્નિશમ આહારની શોધમાં, વસંતપુરના રાજમાર્ગ ઉપર ચાલી નીકળ્યા. શરીરને જેણે માત્ર સાધનરૂપ માન્યું હોય, દમનની ભઠ્ઠીમાં આત્મકલ્યાણના સુવર્ણને શુદ્ધતર-શુદ્ધતમ બનાવવાની જ જેની દષ્ટિ હોય તે સ્વાદિષ્ટ ભોજનની શા સારુ પરવા કરે ? અગ્નિશર્મા માત્ર દેહને નિભાવવા આહારની શોધમાં નીકળ્યા હતા.
ઉપરાઉપરી ઉપવાસોએ અગ્નિશર્માના દેહને શુષ્ક તેમજ જિર્ણ બનાવી દીધો હતો. સામાન્ય રાહદારીને એ મૂર્તિમંત સુધારૂપ જ લાગે. પણ અન્ન ન મળવાથી ભૂખ વેઠનારાઓ અને ભૂખના દુ:ખ સામે સિંહવૃત્તિથી પડકાર ફેંકનારાઓમાં જે એક મોટો તફાવત રહેલો હોય છે, તે અગ્નિશર્માની આંખમાંથી નીતરતી સંયમભરી તેજસ્વિતા જોનારને જ સમજાય. અગ્નિશર્મા ભૂખ વેઠતા હતા, પણ જાણે કે ભૂખની વ્યથાને એ પચાવી ગયા છે. અન્ન પ્રાણ ગણાય છે, પણ એ પ્રાણનીયે પરવા નહિ કરનાર અગ્નિશર્મા માત્ર હાડ અને ચામડાની જીર્ણ આકૃતિ જેવા નથી લાગતા. ઈદ્રિયોની ઉદામ વિકૃતિ ઉપર વિજય વર્તાવનાર કોઈ એક વિશ્વવિજેતાની જેમ, વસંતપુરની આલિશાન ઈમારતો વટાવતા આગળ ને આગળ ચાલ્યા જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org