________________
- ૧૦૨
વેરનો વિપાક વસંતોત્સવના વિરલ વૈભવથી ગર્જી રહેલા ઉદ્યાનની લગોલગ રથ આવી પહોંચ્યો અને સારથિ જેવો છેલ્લો છૂટકારાનો દમ લેવા જાય છે, એટલામાં સમરાદિત્ય બોલી ઊઠ્યો : “સારથિ, રથ ઊભો રાખ. ત્યાં સમસ્વરે કરુણાજનક આક્રંદ કરતાં કોણ જાય છે ?' ઉદ્યાનની એક બાજુ જતા નાના જૂથ તરફ કુમારે વિઠ્ઠલભાવે અંગુલી નિર્દેશ કર્યો. સારથિએ એ દૃશ્ય જોયું હતું, પણ કુંવરની દૃષ્ટિ એ તરફ ખેંચાય તે પહેલાં જ ઉદ્યાનના નૃત્ય-ગીતના ઊછળતા રસસાગરમાં કુંવરને ઝબોળવાની ધારણા રાખી રહ્યો હતો. કુંવરની ચકોર દૃષ્ટિ તે તરફ ગયેલી જોઈ સારથિ હતાશ બની ગયો. કુંવરની આજ્ઞાથી રથ ફરી થંભાવવો પડ્યો.
“અહીંનહિ, ત્યાં લઈ ચાલ.” સારથિને, જ્યાં આગળ સગા-સ્નેહીઓ શબને ઉપાડીને લઈ જતા હતા, તે દિશામાં રથ હાંકવાનો હુકમ કર્યો.
સમરાદિત્યે બરાબર પાસે ઊભા રહીને જોયું તો કોઈ એક ગરીબ માણસનું શબ, જીર્ણ વળીઓ, જીર્ણ વાંસડાઓ સાથે બાંધીને, ઉપર એક જૂનું પાનું વસ્ત્ર ઢાંકીને એના દીન સગા-વહાલાઓ રોતાકકળતા ચાલતા હતા. પુરુષોથી થોડે દૂર સ્ત્રીઓ હૈયાફાટ કલ્પાંત કરતી હતી.
કુમારે આ જન્મમાં મૃત્યુનું સ્વરૂપ પહેલવહેલું નિહાળ્યું અને એ જ વખતે એની આંખ આગળ જે સોનેરી-રંગબેરંગી પડદાઓ ઝૂલતા હતા, તે ખસી પડ્યા. મૃત્યુ માણસ માત્રની આવી દુર્દશા કરે છે ? એની સર્વ શક્તિ-સઘળું ઓજસ હરી લે છે ? પાછળનાં સગાંનેહીઓ આટલા હતાશ-નિરુપાય-અસહાય બની માત્ર કલ્પાંત કરીને બેસી રહે છે ? મૃત્યુ જેવો મહાપ્રબળ શત્રુ, માણસને માથે અહોનિશ ભમે છે, છતાં એ જ માનવીઓ આનંદ, પ્રમોદ અને શૃંગારલીલામાં આટલા બેફામ બને છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org