________________
ખંડ-ચોથો
(૧) વૈશ્રમણ સાર્થવાહને ત્યાં ધનદેવકુમારનો જન્મ થયો ત્યારે વૈશમણે તો એમ જ માનેલું કે આખરે યક્ષની સાધના ફળી ખરી, વૈશ્રમણ અને શ્રીદેવી, એ દંપતીની અનેક દિવસોની યક્ષપૂજાનું જ આ ફળ હોવું જોઈએ. ધનદેવ યક્ષે કૃપા કરીને આ પુત્ર આપ્યો, એટલે પુત્રનું નામ પણ યક્ષના નામે ધનદેવ પાડ્યું. યક્ષદેવની કૃપા સાથે પતિ-પત્ની બંને પોતાના પૂર્વસંચિત કિંચિત્ પુણ્યબળનો પણ પ્રભાવ માનતાં. ધનદેવ જરા મોટો થયો અને બીજા શિશુઓની સાથે હળવા-મળવા લાગ્યો, ત્યારે મા-બાપને એ જરા વિચિત્ર પ્રકૃતિનો લાગેલો. એમને એમ થયું કે ધનદેવ ઘણીવાર પોતાનું એકાદું નવું, કિંમતી વસ્ત્ર, આભૂષણ કે રમકડું ખોઈ નાખીને ઘેર આવે છે અથવા તો કોઈ તેની પાસેથી પડાવી લે છે, છતાં તેનો પ્રતિકાર નથી કરતો, તેથી તે બીકણ અથવા કાયર હોવો જોઈએ. પણ તપાસ કરતાં
જ્યારે એમને જણાયું કે ધનદેવને સુંદર વસ્ત્ર કે આભૂષણોનો મોહ નથી, બીજાને જોઈએ તે આપી દેવામાં એને રજ માત્ર સંકોચ નથી થતો ત્યારે માતાપિતાને ખાતરી થઈ કે યક્ષદેવની કૃપાથી પૂર્વનો કોઈ મહાપુણ્યશાલી જીવ પોતાને ઘેર અવતર્યો છે. તે દિવસથી ધનકુમાર એના માતાપિતાનો માત્ર પ્રીતિપાત્ર નહિ, પણ આદર અને સન્માનનો અધિકારી બન્યો.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org