________________
૨૨૨
અર્પણ + ક્ષમાશ્રમણ લીધી. એકેડી કંબલના બે સરખા ભાગ કરી, બત્રીસે વધુઓને વહેંચી આપી.
રાજદરબારમાં કંબલ વેચવા આવેલો વેપારી, કંબલ આપ્યા વિના પાછો ગયો છે એ સમાચાર જ્યારે બિંબિસાર મહારાજાની પટરાણી ચેલણાએ સાંભળ્યા ત્યારે તેને બહુ દુ:ખ થયું. થોડી સુવર્ણમુદ્રાના લોભમાં પડી, મહારાજાએ આવી દુર્લભ વસ્તુ પાછી ઠેલી એ એને ન ગમ્યું. વધારે નહિ તો એક કંબલ લીધી હોત તો ખજાનો કંઈ ખાલી ન થઈ જાત.
મહારાણીએ બિંબિસારને કહેવરાવ્યું કે : “ગમે તેમ કરીને પણ મારા માટે એક રત્નકંબલ લઈ આવજો. નેપાલી વેપારી હજી રાજગૃહીમાં જ હશે. જ્યાં સુધી મને મારી કંબલ નહિ મળે ત્યાં સુધી હું અન્ન નહિ લઉં”
બિંબિસાર મહારાજાને ચેલણા ઘણી પ્રિય હતી. સ્વભાવે જરા આગ્રહી હોવાથી રત્નકંબલ મેળવ્યા વિના હઠ નહિ મૂકે એ વાતની કલ્પના તેઓ કરી શક્યા. એમણે નેપાલી વેપારીની તપાસ ચલાવી તો તેણે પોતાની પાસેની સોળે સોળ કંબલ ગોભદ્ર શેઠને ત્યાં વેચી નાખેલી હોવાની હકીકત મળી.
મહારાજાએ પોતાના એક ખાસ દૂતને મોકલી ગોભદ્ર શેઠને ત્યાંથી સવાલાખ સોનૈયાની કિંમત ભરી દઈ કંબલ લઈ આવવાનું કહેવરાવ્યું.
દૂતે મહારાજાની વતી ભદ્રા માતાને એ સંદેશો પહોંચાડ્યો ત્યારે ભદ્રા માતા પણ પળવાર સ્તબ્ધ બની ગયાં. એમણે ખિન્ન સ્વરે દૂતને કહ્યું :
મહારાજાને કહેજો કે કિંમતનો અહીં પ્રશ્ન જ નથી – અમારે ત્યાં જે કંઈ હોય તે મહારાજાનું પોતાનું જ ગણાય. ગમે તે વસ્તુ, ગમે ત્યારે માગે અમારે એમની સેવામાં હાજર કરી દેવી જ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org