________________
ધન્ના-શાલિભદ્ર - [૯]
તે કાળે અને તે સમયે, સોળ જનપદોમાં મગધ સર્વોપરી હતું. શૌર્યમાં, સંપત્તિમાં, સંસ્કારમાં, મગધની સાથે સ્પર્ધા કરવાની બીજા કોઈ જનપદની હિમ્મત નહોતી ચાલતી. સોળ જનપદના રાજકારણમાં તેમજ અર્થનીતિમાં પણ મગધનું જ વર્ચસ્વ વર્તાતું. મગધના મહારાજા શ્રેણિક જેટલા યુદ્ધકુશળ અને સાવધ હતા તેટલા જ તે સરળ અને શ્રદ્ધાળુ હતા. તે કાળના બે સમર્થ ધર્મપ્રચારકો વખતોવખત આ મગધની ભૂમિને પોતાની પદરેણુથી તીર્થરૂપ બનાવતા.
મગધની રાજધાની રાજગૃહીમાં ઐશ્વર્ય અને સંપત્તિની છોળો ઊછળતી. ધન-ધાન્યથી સમૃદ્ધ દેશ તો આ હતો જ : સાહસિક વેપારીઓ દૂરદૂરના દેશોમાંથી અઢળક ધન ખેંચી લાવી આ રાજગૃહીમાં ઠાલવતા. શહેરની વચ્ચે આવેલા મંદિરને કોઈ અસંખ્ય દીપમાળાથી શણગારે તેમ શ્રેષ્ઠીઓ આ વિશાળ રાજગૃહીને ભોગોપભોગના વિવિધ ઐશ્વર્યથી ઝાકઝમાળ રાખતા. કોટીધ્વજો આ રાજગૃહીમાં નગણ્ય ગણાતા.
આવા લક્ષાધિપતિ અને કોટ્યાધિપતિઓના મુકુટ-મણિ જેવા બે શ્રીમંતો આ શહેરમાં રહેતા હતા. એક ધન્નો અને બીજા શાલિભદ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org