________________
ચિલાતી પુત્ર
૧૩૯ ભાગીરથી સીમનાં બંધનો ભેદીને વિશ્વજગતને પ્લાવિત કરી રહી છે. શ્રમણે કહેલી પૂર્વભવની વાતે એની સ્મૃતિને ધારદાર બનાવી હશે કે માત્ર શ્રમણ ઉપરની શ્રદ્ધાએ એની શક્તિને આ દિશામાં દોરી હશે? ગમે તેમ પણ ચિલાતી પોતાના નક્કી કરેલા માર્ગમાંથી કાયરની જેમ પાછો ફરે તેવો દુર્બળ નહોતો. શ્રમણનું નિદાન ખરું હતું. એ ટેકીલો હતો. કંઈક પૂર્વભવના સંસ્મરણે, શ્રમણ વિષેની કંઈક શ્રદ્ધાએ અને સૌથી વિશેષ તો પોતાના અંતર ઉપર લદાએલા પાપ-ભારે એની સ્વાભાવિક સિંહવૃત્તિને પડકારી.
ઉપશમરસમાં તરબોળ બનેલો ચિલાતી પોતે હવે ગત જીવનની ઘટનાઓનું પૃથક્કરણ કરે છેઃ સુસુમા કોણ? ભલે, એ ગતજન્મની સંગિની હોય, પણ એને પોતાની કેમ કહી શકાય? સાત-સાત અને ચૌદ ચૌદ જન્મનાં સંગાથી પણ એક દિવસ વિખૂટા પડે છે અને આખરે તો એકલા આત્માને જ પંથ કાપવો પડે છે તો સુસુમા અને બીજા સગા-સંબંધીઓ શી વિસાતમાં છે ?
કાયોત્સર્ગમાં ઊભેલા ચિલાતીના દેહને વનપશુઓએ ચારે કોરથી કરડી ખાધોઃ કીડીઓએ ફોલી ફોલીને ચાળણી જેવો બનાવી દીધો છતાં, એણે દેહ ઉપરના મમત્વને જે તિલાંજલી આપી હતી તેમાંથી તે મુદલ ચલાયમાન ન થયો. સંહારની શક્તિ આજે અંતરમાં નવસર્જન તરફ વળી હતી. એ શક્તિએ, એ ટેકે, ચિલાતીને નરાધમમાંથી દેવ બનાવ્યો. સંવર, ઉપશમ, ને વિવેકના પ્રતાપે એ જોતજોતામાં સંસાર તરી ગયો.
देहो पिपोलियाहिं चिलाईपुत्तस्स चारणी व्व कओ । तणुओ वि मणएउसो न चालिओ तेण ताणुवरि ॥
કીડીઓએ ચિલાતીપુત્રના દેહને ચાળણી જેવો છિદ્રવાળો કરી દીધો તો પણ તેણે કીડીઓ ઉપર મનમાં થોડો પણ વેષ ન કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org