________________
પુદ્ગલ – પરાવર્તિ
૨૫૩ પુદ્ગલોનો જે પરાવર્ત થાય છે તેની વિચારણા આપણા શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે.
ચૌદ રાજલોકમાં અનંતાઅનંત પુદ્ગલ પરમાણુઓ છે. એમાં કોઈપણ એક જાતિના સમૂહને વર્ગણા કહે છે. એવી અનંત વર્ગણાઓ પુદ્ગલ પરમાણુઓમાં છે. એ બધી વર્ગણાઓને સાત મુખ્ય પ્રકારની વર્ગણામાં વિભક્ત કરવામાં આવી છે, જેમ કે (૧) ઔદારિક વર્ગણા, (૨) વૈક્રિય વર્ગણા, (૩) તેજ વર્ગણા, (૪) કર્મણ વર્ગણા, (આહારક વર્ગણા અત્યંત અલ્પ પ્રમાણમાં છે. આહારક શરીર જીવને સમગ્ર ભવચક્રમાં વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત થઈ શકે છે.) (૫) મનોવર્ગણા, (૬) વચન વર્ગણા અને (૭) શ્વાસોચ્છવાસ વર્ગણા.
અનાદિ કાળથી જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી જીવ પરિભ્રમણ કરતો રહ્યો છે. આ પરિભ્રમણનો આધાર તે પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ અને એનો ત્યાગ છે. આ ગ્રહણ અને ત્યાગની પ્રક્રિયાને પુદ્ગલ પરાવર્ત કહેવામાં આવે છે. જીવ જ્યારે ચૌદ રાજલોકમાં રહેલા સમસ્ત પુદ્ગલ પરમાણુઓને ગ્રહણ કરે અને પરિણમાવે ત્યારે એક પુદગલ પરાવર્તન થાય. એમાં અનંત કાળચક પસાર થઈ જાય છે. એક કાળચક્ર એટલે એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણીનો કાળ અર્થાત્ વીસ કોડાકોડી સાગરોપમ જેટલો કાળ. પલ્યોપમ અને સાગરોપમ એ કાળને માપવાનાં બે વિરાટ માપ છે.
પલ્યોપમ એટલે જેને પલ્યની ઉપમા આપી શકાય. પલ્ય એટલે કૂવો અથવા મોટો ખાડો. ચાર ગાઉ લાંબો, એટલો જ પહોળો અને એટલો જ ઊંડો એક ગોળાકાર વિરાટ કૂવો કરવામાં આવે અને તેમાં યુગલીઆના કોમળ વાળ (વધુ સંખ્યામાં સમાય એવા) ના અગ્રભાગના ટુકડા એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે જેથી જરા પણ ખાલી જગ્યા રહે નહીં. એના ઉપરથી પાણીનો ધોધ વહી જાય તો પણ એક પણ ટીપું અંદર ઊતરે નહીં અને ચક્રવર્તીની સેના એના ઉપરથી ચાલી જાય તો પણ એ પલ્ય જરા પણ દબાય નહીં કે નમે નહીં. હવે એ પલ્યમાં રહેલા અસંખ્યાતા વાળના ટુકડાઓમાંથી દર સો વર્ષે એક ટુકડો બહાર કાઢવામાં આવે અને એ રીતે આખો કૂવો ખાલી થતાં જેટલો વખત લાગે તે વખતે બરાબર એક પલ્યોપમ કહેવાય.
પલ્યોપમના છ પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે અને એમાં દર સો વર્ષે વાળનો એક ટુકડો કાઢવાનું જે દૃષ્ટાંત આપ્યું છે તે સૂક્ષ્મ અદ્ધ પલ્યોપમનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org