________________
૧૪૨
જિનતત્ત્વ એમાં જ જોવા મળે છે. એક બાજુ જેમ એમાં સૂક્ષ્મ ક્ષણ એટલે કે “સમયની વિચારણા થયેલી છે તેમ બીજી બાજુ પલ્યોપમ, સાગરોપમ અને પુદ્ગલ પરાવર્તન જેવી અંતિમ કોટિની અદ્દભુત વિચારણા પણ થયેલી છે. જૈન દર્શનમાં “સમય” એક પારિભાષિક શબ્દ છે. જૈન દર્શન પ્રમાણે “સમય” એ કાળનું સૂક્ષ્મતમ અવિભાજ્ય અંગ (Smallest Unit) છે. આંખના એક પલકારામાં – નિમિષ માત્રમાં અસંખ્યાત સમય વીતી જાય છે. આ સમયને સર્વજ્ઞ ભગવાન જ જાણી શકે છે.
સમયનો ખ્યાલ આપવા માટે શાસ્ત્રકારો બે દૃષ્ટાન્ત આપે છે. એક ફૂલની પાંદડીઓનું અને બીજું જીર્ણ વસ્ત્ર ફાડવાનું. ધારો કે કોઈ પોયણીની કે અન્ય કોઈ પુષ્પની સો, બસો કે હજારથી વધુ પાંદડીઓ એકસાથે ઉપરાઉપરી ગોઠવવામાં આવે અને પછી કોઈ બળવાન માણસો સોય કે ભાલા જેવી તીક્ષ્ણ અણી વડે એક જ ઝાટકે તેને આરપાર ભેદી નાખે તો એ અણી કોઈ પણ એક પાંદડીમાંથી નીકળી બીજી પાંદડીમાં પ્રવેશવા જાય તો તેને તેમાં કેટલો કાળ લાગે ? એટલો કાળ “સમય”નો ખ્યાલ આપી શકે. અથવા કોઈ એક યુવાન માણસ એક જીર્ણ વસ્ત્રને એક ઝાટકે ફાડી નાખે, તો ક્ષણ માત્રમાં ફાટેલા એ વસ્ત્રમાં રહેલા હજાર-બે હજાર તાંતણામાંથી કોઈપણ એક તાંતણો ફાટ્યા પછી બીજો તાંતણો ફાટે જેમાં જે વખત લાગે તે “સમયનો ખ્યાલ આપી શકે. વસ્તુત: સમય એથી પણ વધુ સૂક્ષ્મ છે. એટલે જ આંખના પલકારામાં અસંખ્યાત “સમય” પસાર થઈ જાય છે.
કાળના એક છેડે “સમય” છે તો બીજે છેડે પલ્યોપમ, સાગરોપમ, પુદ્ગલપરાવર્તન ઇત્યાદિ છે. પલ્યોપમ એટલે જેને પલ્યની ઉપમા આપી શકાય છે. પલ્ય એટલે ખાડો અથવા કૂવો. ચાર ગાઉ લાંબો, એટલો જ પહોળો અને એટલો જ ઊંડો એક ગોળાકાર વિરાટ કૂવો કરવામાં આવે અને તેમાં યુગલીઆના કોમલ વાળના અગ્ર ભાગના ટુકડા એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે જેથી જરા પણ ખાલી જગ્યા રહે નહીં. એના ઉપરથી પાણીનો ધોધ વહી જાય તો પણ એક ટીપું અંદર ઊતરે નહીં અને ચક્રવર્તીની સેના એના ઉપરથી ચાલી જાય તો પણ જે પલ્ય જરા પણ દબાય નહીં કે નમે નહીં. હવે એ પલ્યમાંના રહેલા અસંખ્યાત વાળના ટુકડાઓમાંથી દર સો વરસે એક ટુકડો બહાર કાઢવામાં આવે અને એ રીતે આખો કૂવો ખાલી થતાં જેટલો વખત લાગે તે વખત બરાબર એક પલ્યોપમ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org