________________
૧૨૫
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ આકૃતિઓનો ભાસ થાય છે. એ રીતે માણસના હાથની છેલ્લી ટચલી આંગળીની નીચે હથેળીની કિનાર પાસે મત્સ્યની આકૃતિ હોય તો તે માણસ અત્યંત શુભ લક્ષણવાળો, ભાગ્યશાળી મનાય છે. જેની બંને હથેળીમાં મત્સ્યની આકૃતિ હોય તે વળી મહાભાગ્યશાળી મનાય છે. આવી બંને હથેળી અડોઅડ રાખવામાં આવે તો મત્સ્યયુગલ જોવા મળે. આ યુગલમાં એક નર અને એક માદા જ હોય એવું અનિવાર્ય નથી; પણ યુગલ હોવાથી તેમ માનવાની પરંપરા છે.
એ લક્ષમાં રાખવાનું છે કે પાણીમાં તરતી જીવતી માછલી એ મંગળરૂપ છે. મરેલી માછલી મંગળરૂપ નથી. તે અપશુકન ગણાય છે. એટલે જ માછીમાર કે માછીમારણ માછલાં સાથે કે માછલાં વગર રસ્તામાં સામે મળે, તે અપશુકન ગણાય છે. જો કે હવે આ લોકમાન્યતા પણ ઘસાઈ જવા આવી છે.
દર્પણ: અષ્ટમંગલમાં દર્પણ (અરીસો) એ પણ એક મંગલ વસ્તુ મનાય છે. કુદરતની કેવી કરામત છે કે માણસ આખી દુનિયાના માણસોના ચહેરા જોઈ શકે છે, પણ પોતાનો ચહેરો જોઈ શકતો નથી. જ્યારે કાચ કે દર્પણની શોધ નહોતી થઈ ત્યારે માણસ કૂવા કે તળાવ કે નદી સરોવરના શાંત જળમાં પોતાનું પ્રતિબિંબ જોતો. કાચ અને દર્પણના પ્રતિબિંબે માણસને પોતાની જાતને ઓળખવાનું શીખવ્યું. પોતાના હૃદયરૂપી દર્પણમાં ભગવાનના પ્રતિબિંબને માણસ નિહાળતો થયો. દર્પણમાં ભગવાનનાં દર્શન કરવાની પ્રથા જૈન અને હિંદુ મંદિરોમાં છે. જેનોમાં દર્પણ-પૂજાનો દૂહો બોલાય છે :
પ્રભુદર્શન કરવા ભણી, દર્પણપૂજા વિશાળ;
આતમદર્પણથી જુએ, દર્શન હોય તતકાળ. કેટલાંક મંદિરોમાં રંગમંડપોમાં કે તેની બહાર એવી રીતે વિશાળ અરીસો રાખવામાં આવે છે કે ગમે તેટલી ભીડમાં પણ ભગવાનનાં દર્શન થાય અને પાછા ફરી નીકળતી વખતે પણ દર્શન થાય. દર્પણ આત્મદર્શન માટે છે. આથી દર્પણની એક મંગલમય વસ્તુ તરીકે ગણના થવા લાગી અને અષ્ટમંગલમાં એને સ્થાન મળ્યું.
દેવો જ્યારે તીર્થંકર પરમાત્માના જન્મ સમયે એમને સ્નાત્ર મહોત્સવ માટે લઈ જાય છે ત્યારે તેઓ જેમ ચામર, પંખો વગેરે ધારણ કરે છે, એનો ઉપયોગ કરે છે તેમ દર્પણનો પણ ઉપયોગ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org