________________
સામાયિક
૪૧૭
ક્રમાનુસાર તેઓ સામાયિકના ત્રણ પ્રકાર ગણાવી, ત્રીજા પ્રકારના દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પેટાપ્રકાર બતાવે છે. અપેક્ષા ભેદથી તેમ બતાવી શકાય છે.)
ગૃહસ્થોનું એક સામાયિક એક મુહૂર્ત (બે ઘડી – ૪૮ મિનિટ) માટેનું હોય છે. એટલે એ સામાયિક અલ્પનિશ્ચિત કાળ માટે હોય છે. એટલા માટે એ સામાયિકને “ઇલ્વરકાલિક' (થોડા કાળ માટેનું) કહેવામાં આવે છે. સાધુ ભગવંતોનું સામાયિક જીવનપર્યતનું હોય છે. એટલા માટે એ સામાયિકને “યાવત્કથિત” કહેવામાં આવે છે.
પૂર્વેના સમયમાં ગૃહસ્થોના સામાયિકના પણ બે પ્રકાર પાડવામાં આવ્યા હતા : (૧) ઋદ્ધિપાત્ર અને (૨) સામાન્ય રાજા, મંત્રી, મોટા શ્રેષ્ઠીઓએ વાજતેગાજતે ઠાઠમાઠ સાથે ઉપાશ્રયમાં સામાયિક કરવા જવું જોઈએ, કે જેથી આવા મોટા મોટા માણસો પણ સામાયિક કરવા જાય છે એના સામાન્ય લોકો ઉપર ઘણો પ્રભાવ પડે. સામાન્ય ગૃહસ્થો ઉપાશ્રયમાં અથવા ઘરમાં સામાયિક કરે તેને સામાન્ય' સામાયિક કહેવામાં આવતું. વળી ત્યારે એવી માન્યતા પણ પ્રવર્તતી હતી કે દેવાદાર માણસોએ તો ઘરે જ સામાયિક કરવું. તેઓએ ઉપાશ્રયમાં સામાયિક કરવા ન આવવું, કારણ કે લેણઘર ત્યાં સામાયિક કરવા આવ્યો હોય અથવા ઉઘરાણી કરવા આવ્યો હોય તો પોતાના, લેણદારના ને બીજા સામાયિક કરનારાઓના મનના ભાવ બગડે અથવા તેમાં ખલેલ પડે.
સામાયિકના દ્રવ્ય સામાયિક” અથવા “વ્યવહાર સામાયિક” અને “ભાવ સામાયિક ” અથવા “નિશ્ચય સામાયિક એવા બે પ્રકાર પણ બતાવવામાં આવે છે. એમાં ભાવ સામાયિક અથવા નિશ્ચય સામાયિક દેખીતી રીતે ચડિયાતો પ્રકાર છે. દ્રવ્ય સામાયિકનો આદર્શ પણ ભાવ સામાયિક સુધી પહોંચવાનો છે. ગૃહસ્થો એક આસન પર બેસી, ઉચિત વેશ સાથે, મર્યાદિત ઉપકરણો (ચરવાળો, નવકારવાળી, જ્ઞાનનાં પુસ્તકો વગેરે) સાથે બે ઘડીનું વિધિપૂર્વક સામાયિક કરે તેને દ્રવ્ય સામાયિક કહે છે. તેમાં સમતાભાવની સાધના કરવાની હોય છે. આત્માનું સ્વ-ભાવમાં રમણ તે ભાવ સામાયિક અથવા ‘નિશ્ચય સામાયિક'. એટલા માટે જ “ભગવતીસૂત્રમાં કહ્યું છે : , अप्पा सामाइयं, अप्पा सामाइयस्स अत्थो।
(‘ભગવતીસૂત્ર', શ. ૧, ઉ. ૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org