SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન એમ કહી વિકટર ચાલ્યો ગયો. અડધા કલાક પછી મારી પાસે આવીને એણે ફરી પાછો ધીમા સાદે પ્રશ્ન કર્યો, ડૉ. શાહ, તમે બધા મોસ્કો સ્ટેશને પહોંચી ત્યાંથી સીધા ઍરપોર્ટ જવાના છો, ખરું ને ?' મેં કહ્યું, “હા, અગાઉ તમને કહ્યું હતું તે પ્રમાણે જ અમારો કાર્યક્રમ છે. એમાં કોઈ ફેરફાર નથી.” પછી મેં વિકટરને પૂછ્યું, 'તમે આ પ્રશ્ન મને પહેલાં બે વખત પૂક્યો છે તો તેનું ખાસ કંઈ કારણ છે ?' વિક્ટરે કહ્યું, “એ હું તમને અત્યારે નહિ કહું.' એમ કહી વિકટર બાજુના ખંડમાં ચાલ્યો ગયો. વિકટરના ગયા પછી હું વિચારે ચડ્યો. વિકટરને કશુંક કહેવું છે પણ એ તરત કહેવા ઈચ્છતો નથી તેમ દેખાય છે. અમારામાંના ઘણાખરા ઝોકાં ખાતાં હતાં. અડધા કલાક પછી વિકટરે વેઈટિંગ રૂમમાં ફરી રાઉન્ડ માર્યું. એણે જોયું કે બધા ઊંધી ગયા છે. ફક્ત હું એકલો જાગતો બેઠો છું. એટલે તે મારી પાસે આવ્યો અને બોલ્યો, “ડૉ. શાહ, તમને ઊંઘ નથી આવતી ?' મેં કહ્યું, “ના, મને આવી રીતે જાગવાની ટેવ છે, પણ મને એક પ્રશ્ન થાય છે કે તમે અમને, ખાસ કરીને મને એમ કેમ પૂક્યા કર્યું છે કે સોવિયેટ યુનિયનમાં આ તમારો છેલ્લો દિવસ છે ?' વિક્ટરે ચારે બાજુ નજર ફેરવી, વેઇટિંગ રૂમમાં કોઈ રશિયન કે યુક્રેનિયન પ્રવાસી નથી અને ફરજ ઉપર બીજું કોઈ દેખાતું નથી એ જોઈ એણે મારા કાનમાં કહ્યું, “ડૉ. શાહ, તમારી સાથે આટલી આત્મીયતા થઈ ગઈ છે એટલે જ હું તમને કહું છું. આવું પૂછવાનું કારણ એ છે કે મારે તમારી સાથે થોડી ખાનગી વાત કરવી છે. અત્યાર સુધી ઈડા ફરજ ઉપર સાથે હતી એટલે હું કશું બોલ્યો નથી, પણ હવે એ ગઈ છે એટલે મારી અંગત વાત તમને કરી શકીશ.' મેં કહ્યું, ‘ભલે, તમે મારામાં જરૂર વિશ્વાસ રાખજો. તમારા દેશની સ્થિતિ હું જાણું છું. એટલે તમારી અંગત વાત તમે જરૂર મને કહી શકો છો.' વિકટરે કહ્યું, ‘પણ એ અંગત વાત હું તમને અત્યારે નહિ કહું. હજુ ટ્રેન આવવાને બે કલાકની વાર છે. અહીં તો હવા પણ વાતને લઈ જાય છે. માટે જોખમ નથી ખેડવું. મારે તમને ખાનગી વાત કહેવી છે એટલું કહેવામાં પણ મારે માટે અહીં જોખમ ગણાય.” આટલું કહીને વિકટર પાછો પોતાના ખંડમાં ચાલ્યો ગયો. હું ફરી વિચારે ચડી ગયો. વિકટરને એવી તે શી વાત કરવી છે કે જે કરતાં તે આટલો ગભરાય છે. વળી મને પોતાને પણ ચિંતા થવા લાગી કે રખેને વિકટર એવી કોઈ વાત ન કરી બેસે કે જેના પરિણામે હું પણ એની સાથે ફસાઉ. અલબત્ત, સોવિયેત સરકાર પોતાના નાગરિકો સાથે જેટલી કડક છે તેટલી પરદેશીઓ સાથે નથી. તો પણ મારા મનની અંદર તર્ક ચાલવા લાગ્યા. વિક્ટરને જાસૂસીની દષ્ટિએ કોઈ વાત કરવાની હશે ? કે પછી વિકટર મારી પાસેથી કંઈ વાત કઢાવવા કોઈ નાટક તો નહિ કરતો હોય ને ? એ જે હોય તે, મારે તો વિકટર જે કહે તે ફક્ત સાંભળી જ લેવું એમ મેં મનથી નક્કી કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy