________________
પર
શ્રુત ઉપાસક રમણભાઈ મહીના કોતરોમાં થઇને નદીએ નાહવા જતા. ત્યાં નદીના પટમાં વાવેલાં વેલા પરથી ઉતારેલાં ચીભડાં ખરીદીને ખાતા.
બાની સમયસૂચકતાનો એક પ્રસંગ યાદ આવે છે. એક વખત બા સાથે અમે પાદરાથી ઓડ જતાં હતાં. એમાં અમુક અંતર બસમાં કાપવાનું હતું. અને પછી ટ્રેન પકડવાની હતી. રસ્તામાં એક ઠેકાણે બસ ઊભી રહી એટલે અમે ઊતર્યા. પણ ત્યાં કોઈ વસતિ નહોતી. પરંતુ બાની નજર ગઈ. ઘણે દૂર ઇરાનીઓનું ટોળું હતું. બાએ એ જોયું. એટલામાં કેટલાક ઇરાની સ્ત્રીપુરુષો માથે ટોપલા લઈ અમારી બાજુ આવવા લાગ્યા. અમને છોડીને બસ ચાલવા લાગી હતી ત્યાં તો બાએ જો૨થી બસવાળાને બૂમ પાડી, ‘બસવાળાભાઈ, બસ ઊભી રાખો, ઊભી રાખો. બસ તરત ઊભી રહી ગઈ. બાએ અમને કહ્યું, ‘અલ્યા દોડો, બસમાં પાછા બેસી જઇએ.' અમે દોડતાંકને બસમાં બેસી ગયા. અમને પાછા બસમાં બેસતા જોઈ ઈરાનીઓ ત્યાં જ ઊભા રહી ગયા.
બસવાળો બોલ્યો, ‘માજી ! મને થયું કે તમે કેમ અહીં ઊતરો છો ?' ‘ઓછું ચાલવું પડે એટલે ઊતર્યા, પણ પછી ખબર પડી કે અહીં તો ઇરાનીઓ છે. સારું થયું તમે મારી હાંક સાંભળી અને ઊભી રાખી. નહિ તો આજે ઇરાનીઓએ મારી સોનાની બંગડીઓ પડાવી લીધી હોત.’
હું આઠેક વર્ષનો હતો ત્યારે પાદરામાં આસપાસના ફળિયાના છોકરાઓ ‘કંટિયારા’ તળાવ પાસે રમવા જતા. ઉનાળાની રજાના દિવસોમાં પાણી ઓછું થાય અને કિનારાની માટી સૂકવા લાગે ત્યારે એવી પોચી ચીકણી માટી કાઢી અમે એનાં રમકડાં બનાવી તડકામાં સૂકાવા મૂકતાં. સૂકાયેલાં રમકડાં ઘરે લાવતા. કોઈ વા૨ માટીમાંથી કાણાંવાળો પોલો પાવો બનાવતા અને એ સૂકાય ત્યારે વગાડતા. કોઇવાર માટીની પેન બનાવી, ઘરે લાવી ચૂલામાં શેકતા અને લાલ થયેલી પેનથી પાટીમાં લખતા. આવાં રમકડાં બનાવતાં એક વખત કેટલાક છોકરાઓને આંગળીએ ગુમડાં થવા લાગ્યાં. મને પણ થયાં. એ પાકે એટલે એમાંથી રસી નીકળતી. એ ચેપી રસીથી આજુબાજુની આંગળીઓને ચેપ લાગતો, પણ મટી જતું. એક વખત મને એ રીતે દસે આંગળીએ ચેપ લાગ્યો. હવે હાથથી ખવાય નહિ. બા ખવડાવે અથવા ચમચાથી ખાઉં. આ વખતે જલદી મટ્યું નહિ એટલે બા ચિંતાતુર થઈ. એવામાં પાસેના પડોશી જેઠાલાલના ઘરે એમના કોઈ સગા આવ્યા હતા. તેઓ વૈદું કરતા. બાએ એમને મારી આંગળીઓ બતાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org