________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૭
માટે વિવિધ ગામઠી ઉપચારો થતા.
અમૃતલાલ દાદાને રૂના વેપારમાં મોટી ખોટ આવી અને માથે દેવું થઈ ગયું ત્યારે એમણે પોતાના ચારે દીકરાઓને ગામ છોડીને બીજે જઈ નોકરી ધંધો કરવાની ભલામણ કરી. ત્યારે ચારે ભાઇઓ દ્વારા પાદરા તાલુકાના મોભા રોડ નામના ગામે સ્ટેશન પાસે શરૂ થયેલા નવા વસવાટમાં અનાજ, કાપડ વગેરેની પ્રકીર્ણ ચીજવસ્તુઓની દુકાન કરવાનો વિચાર કર્યો. એ માટે ચારે ભાઇઓએ ત્યાં દુકાન ભાડે રાખી. મારા પિતાશ્રીએ એ માટે પહેલ કરી અને રેવાબા સાથે મને અને મારી નાની બહેન પ્રભાવતીને લઈ ગયા. ત્યારે મને પાંચમું વર્ષ બેઠું હતું. પરંતુ પિતાશ્રીના બીજા કોઈ ભાઈઓ આવ્યા નહિ, મોભામાં અમે એક વર્ષ રહ્યાં, પણ સંતોષકારક કમાણી ન થતાં અને દાદાની તબિયત બગડતાં પાછા પાદરે આવ્યા.
મોભામાં અમારા ઘરની પાછળ જ વગડો અને ખેતરો હતાં. વગડામાં થોડે સુધી અમે રમવા જતા. આગળ જતાં ડર લાગતો. ત્યારે શાક બજારમાંથી વેચાતું લાવવાનું નહિ કારણ કે એવું બજાર જ ત્યાં નહોતું. ઘરની પાછળના વંડામાં બધા લોકો શાક ઉગાડીને ખાતા. ભીંડા, ગવાર વગેરેના છોડ અને તુરિયાં તથા ગલકાં વગેરેના વેલા વાવેલા તે હજુ યાદ છે. છોડ ઉપર જ્યાં શાક ઊગે તે બાને બતાવીએ. એમાં ખાસ તો ચોમાસાની ઋતુમાં થતાં કંટોલાં વીણી લાવવાની બહુ મઝા પડતી. બાએ કહેલું કે કંટોલા તો વરસાદ પડ્યા પછી જ ઊગે એ વાક્ય આજે પણ ભૂલાયું નથી. બા કંટોલા વીણવા અમને વગડામાં લઈ જતી. કોઈ વાર વરસાદ બહુ પડી ગયો હોય તો વચ્ચે મોટા ખાડાઓમાં પાણી ભરાઈ ગયું હોય. બા તો ખાબોચિયું ડહોળતી આગળ ચાલે, પણ હું ઊભો રહી જાઉં.
બા કહે “એમ બીએ છે શું ? બહુ પાણી નથી.' પાણી મારી છાતી સુધી આવે. કપડાં તો પહેર્યા ન હોય, પણ પાણીમાં જતાં ડર લાગે. ખાબોચિયાના બીજા છેડે પહોંચે ત્યારે સલામતીનો આનંદ થતો. ખાબોચિયામાં વરસાદનું તાજું પાણી હોય અને સૂર્યપ્રકાશ નીકળે ત્યારે પાણી દુધિયા રંગનું દેખાય. એવા પાણીની જીવંતતા જ જુદી ભાસે. વળી પવનમાં વરસાદનું તાજું પાણી હિલોળા લેતું હોય એ જોવાનું ગમે.
મોભામાં એક દિવસ એક બાવો અમારા ઘરે માગવા આવ્યો. બાએ એને લોટ અને ચોખા આપ્યા. બાની ઉદારતા જોઈ એણે ભોજનની માગણી કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org