________________
શ્રુત ઉપાસક ૨મણભાઈ
૪૫
ગોખલામાં બે લંબચોરસ પતરા રાખ્યાં હોય તેના વડે મળ એક પતરામાં લઈ જ્યાં નખાતો હોય ત્યાં નાખી આવે.
હું ચાલતાં શીખ્યો ત્યારે શૌચક્રિયા માટે બા મને ફળિયા બહાર લઈ જવા લાગી. બા જ્યારે શૌચ માટે ફળિયા બહાર લઈ જાય અને એક મકાનની શોચ માટે વપરાતી ભીંત આગળ બેસાડે પછી બા ઊભી રહે. પણ કોઇક વાર હું રમત જ કર્યા કરતો હોઉં અને શૌચક્રિયા ભૂલી જાઉં ત્યારે બા ચિડાતી. કોઈ વાર બે ત્રણ છોકરા ભેગા થઇ ગયા હોય તો રમત કરતા. ગામડાગામમાં રાતને વખતે શેરીઓમાં ઘાસના દીવા રહેતા. એનો નહિ જેવો પ્રકાશ પડે. અંધારું હોય ત્યારે બા ફાનસ લઇને ઊભી રહે. દર કલાકે રામજી મંદિરમાં પહેલાં નગારું વાગે અને પછી ડંકા વાગે. કોઇવાર બા કહે, “જલદી કર, જો આઠના ડંકા થયા.'
ત્રણથી પાંચ વર્ષ સુધી મારી સવારના ગાળામાં મુખ્ય પ્રવૃત્તિ તે બા કૂવે પાણી ભરવા જાય ત્યારે તેમની આંગળિયે જવાની, બપોરે બા સાથે તળાવે કપડાં ધોવા જવાની અને સાંજે દેરાસરે આરતી–મંગળદીવો કરવાની હતી. પાણી ભરીને પાછાં ફરતાં ખભે રાખેલાં ભીનાં દોરડાથી બાનાં કપડાં ભીંજાઈ જતાં. ફળિયામાં દાખલ થતાં બા બૂમ મારતી એ ઘડો ઉતારાવજો.' એટલે ઘરમાંથી કોઇક બા નીચાં નમે એટલે ઘડો ઉતારી લેતાં. પછી બેડું બા જાતે ઉતારતાં. બપોરના વખતે તડકામાં બા સપાટ પહેરી, માથે ધોવાનાં કપડાં ભરેલું મોટું ચેલિયું ચડાવતાં. એના ઉપર લાકડાનો પાયો (ધોકો) મૂકે અને હાથે બનાવેલા સાબુનો મોટો ગોળો (દડા જેવો) મૂકે. (ત્યારે સાબુ ગોળ આવતા.) તળાવે જઈ મને એક ઝાડ નીચે બેસાડે, બા એક શિલા ઉપર કપડાં ઘસે, ધોકા મારે અને પછી કછોટો વાળી ઘૂટણ સુધીના પાણીમાં જાય અને કપડાં પલાળી, નીચોવી, ખભે મૂકીને પાછાં ફરે અને નીચોવેલી ગડવાળાં કપડાં ચેલિયામાં મૂકે. આ સમય દરમિયાન હું ઝાડ નીચે બેસીને બધાંને કપડાં ધોતાં જોતો. પણ મને વિશેષ આનંદ તો પવન સાથે હિલોળા લેતા પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડતાં અને બદલાતાં જોતો. એને ઓકળિયો કહેતા. ચકચકતી હજારો ઓકળિયો જોતાં હું ધરાતો નહિ.
સાંજે દેરાસરમાં આરતી સાથે નગારું વાગે તે સાંભળવામાં વધુ આનંદ આવતો. નગારું ઊંચે હતું એટલે આરતી-મંગળદીવો પૂરો થતાં બા મને ઊંચો કરી નગારું વગડાવતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org