________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૭૫
તે ઘણા સુગમ બની રહ્યા છે.
પ્રવાસ સાહિત્યના આલેખક તરીકે તો રમણભાઈ ગુજરાતી ભાષાના પ્રવાસ સાહિત્યમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. જે તે સ્થળનું આબેહુબ આલેખન સ્થળ વિશેની માહિતી અને કિંવદંતીઓ, પ્રવાસી તરીકેના અનોખા અનુભવો અને મર્માળુ વિનોદ “પાસપોર્ટની પાંખે', “પ્રદેશે જયવિજયના', “ઉત્તરધ્રુવની શોધસફર', ‘ન્યૂઝીલેન્ડ”, “ઓસ્ટ્રેલિયા', “એવરેસ્ટનું આરોહણ', રાણકપુર તીર્થ”, “પાસપોર્ટની પાંખે-ઉત્તરાલેખન” વગેરેને આપણા પ્રવાસ સાહિત્યના આભરણ રૂપે સ્થાયી આપે છે. આ ગ્રંથો એક વાર હાથમાં લીધા પછી મૂકવાનું મન ન થાય તેવા હૃદયંગમ, રસાવહ અને આકર્ષક બની રહ્યા છે. જગતના દૂર અને નજીકના અનેક પ્રદેશો સાથે વાચકનો તેમણે આત્મીય પરિચય સ્થાપી આપ્યો છે. સનાતન માનવ ભાવોની અખંડ સેર તેમાં ચાલતી હોય છે જે દરેકના હૃદયને સ્પર્શી જાય છે.
સમયસુન્દર, ગુણવિનય, યશોવિજયજી, ઉદ્યોતનસૂરિ, ઋષિવર્ધનસૂરિ, વિજયશેખર વગેરે પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ કવિઓની મધ્યકાલીન કાવ્યકૃતિઓનું તેમનું સંપાદનકાર્ય એકે બહુશ્રુત વિદ્વાન અને કુશળ સંશોધક તરીકે તેમનો પરિચય કરાવે છે. પાઠભેદો તપાસી કૃતિઓનો ઊંડાણપૂર્વક તેમણે પરિચય કરાવ્યો છે. જૈન સાહિત્યનું અને તત્ત્વચિંતનનું તેમનું દીર્ઘ તપ જેવું અધ્યયન જૂની કૃતિઓના સંપાદનમાં ઘણું ઉપયોગી નીવડ્યું છે.
રમણભાઈ માત્ર વિદ્વાન જ નહોતા. “શ્યામ રંગ સમીપે' જેવા એકાંકી સંગ્રહો આપીને તેમણે પોતાની સર્જનાત્મકા પણ દર્શાવી આપી છે. સાહિત્ય વિવેચન પણ તેમનું સહજ ક્ષેત્ર હતું. વિવિધ ગ્રંથો, સર્જકો અને સમપ્રવાહોનું તેમણે દર્શન કરાવ્યું છે. અનુવાદ, સંક્ષેપ, સંપાદન તથા અન્ય લેખનકાર્ય કરીને તેઓ અસંખ્યા ગ્રંથો આપી ગયા છે. તેમની આ સાહિત્યસેવા બહુ આયામી અને યાદગાર નીવડી છે. આ ગ્રંથોના પ્રકાશન પછી તેમની કૃતિઓના કોપીરાઈટનું તેમણે વિસર્જન કર્યું હતું અને ગમે તે રચનાનું પ્રકાશન કે ઉપયોગ કરવા છૂટ આપી હતી. તેમની વ્યક્તિત્વનું આ પણ એક તેજસ્વી પ્રકરણ છે. આથી જ તેમને સાહિત્યના અખંડ સેવાવ્રતી કહેવાનું મન થાય છે.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org