________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૩૭૯
અર્પણ કર્યો. પછી વર્ષો સુધી હું સમારોહમાં ભાગ લેતી રહી. પરંતુ છેલ્લે ગત વર્ષે લાયજા ખાતે યોજાયેલ સમારોહ પણ મને હંમેશા યાદ રહેશે. રમણભાઈને છેલ્લીવાર મળવાનું ત્યારે જ થયું. મારો વિષય હતો ‘લેશ્યાધ્યાન અને વૈકલ્પિક ચિકિત્સા પ્રકૃતિઓ'. તે દિવસે બપોરની ઉઘડતી બેઠકે મારો નિબંધ મેં રજૂ કર્યો ને સમાપને શ્રી રમણભાઈએ એની વિસ્તૃત છણાવટ કરી હતી. ફરી આ વખતે એમના અભિનંદનની હું અધિકારી બની અને મારા માટે એ ગૌરવની વાત હતી. પરંતુ આ બધું એમના કારણે જ શક્ય બન્યું. એ સમારોહ, એમની સાથેની એ છેલ્લી મુલાકાત, એમના એ શબ્દો હું કદી નહિ ભૂલું. લાયજામાં એ થોડાક થાકેલા જણાતા હતા. છેલ્લા થોડા વર્ષોથી એ સમારોહનો ભાર કોઈ નવયુવાન ઉપાડી લે એવી ઈચ્છા વ્યક્ત કરતા હતા. ત્યાર પછી ગત વર્ષે રાજકોટ ખાતે આયોજિત જ્ઞાનસત્રમાં એ આવવાના હતા, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહી શક્યા નથી એવું જાણવા મળ્યું. પરંતુ ત્યારે એમની વિદાય આટલી નજદીક હશે એવું તો કલ્પેલું પણ નહિ. હું તો આ વર્ષે પણ એમના તરફથી સમારોહના આમંત્રણની રાહ જોતી હતી - ત્યાં એકાએક એમના ચિરપ્રયાણના સમાચાર “કચ્છમિત્ર' મારફત જાણવા મળ્યા. એક ઊંડા આઘાતની લાગણી અનુભવી - એક અનાથપણાનો ભાવ અનુભવ્યો. મારી આ તદ્દન અંગત કહી શકાય એવી લાગણી આમ તો સમારોહ સાથે સંકળાયેલા સર્વકોઈની હશે જ – છે જ. રમણભાઈ વગરના જૈન સાહિત્ય સમારોહની તો કલ્પના પણ નથી થઈ શકતી. મારા શોકની અભિવ્યક્તિ માટે મેં તારાબેનને ફોન કર્યો તો એમણે સામેથી મને આશ્વાસન આપ્યું. મારે ઘણું ઘણું કહેવું હતું પરંતુ શબ્દો સાથ નહોતા આપતા. ત્યાં તો તારાબહેને ખુદ “પ્રભુદ્ધ જીવન'ના આગામી સ્મરણાંજલિ અંક માટે રમણભાઈ વિષે કશું લખી મોકલવાનું કહ્યું ને મેં લખવાનું શરૂ કર્યું. પણ શુ લખું? મારી અંગત અભિવ્યક્તિને મેં વાચા આપી પરંતુ રમણભાઈ વિષે તો હજી ઘણું જાણવાનું બાકી હતું. ત્યાં તો ૧૯ નવેમ્બરનો ગુજરાત સમાચારનો અંક હાથમાં આવ્યો, જેમાં શ્રી કુમારપાળ દેસાઈએ “ઈંટ અને ઇમારત શીર્ષક અંતર્ગત શ્રી રમણભાઈની જીવન-ઝલક પેશ કરી છે. વાંચીને એમના વિરાટ વ્યક્તિત્વના વિધવિધ પાસાં મારી નજર સમક્ષ ઉજાગર થયા. એમનું સાદગી અને સત્ત્વશીલ જીવન, ઉચ્ચ જીવનમૂલ્ય, અડગ કર્મનિષ્ઠા, કઠોર સંઘર્ષો વચ્ચે પણ પોતાનું અને અન્યોનું જીવન ખીલવી જાણવાની એમની કળા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org