SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ તે વારસામાં મળેલી. અહીં તૉલ્સતોયનો જન્મ થયેલો અને મૃત્યુ પછી એમના દેહને અહીં જ દફનાવવામાં આવ્યો હતો. પોતાના વ્યાસી વર્ષના આયુષ્યમાંથી તૉલ્સતોયે વીસ વર્ષ મૉસ્કોમાં અને બાકીનાં વર્ષ યાસ્નાયા પોલિયાનામાં વિતાવ્યાં હતાં. તૉલ્સતોય ગર્ભશ્રીમંત હતા. પરંતુ મોસ્કોમાં વસતીગણતરીનું કામ કરતી વખતે ગરીબ લોકોના, કંપારી છૂટે એવા વિસ્તારોની લીધેલી મુલાકાતથી તેમની જીવન પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ હતી. તેમનામાં માનવતા પ્રગટી હતી. તેઓ સાદું અને નિરાડંબરી જીવન જીવવા ઇચ્છતા હતા. પરંતુ એ બાબતમાં તેમની પત્ની સોફિયાનો સહકાર ન હતો. સોફિયાને ઉમરાવનું મોજશોખભર્યું જીવન બહુ ગમતું. પરિણામે પતિપત્ની વચ્ચે વારંવાર સંઘર્ષ થતો. જ્યારે શ્રીમંત ઘરમાં પોતાની શોખીન પત્ની સાથે રહેવાનું અસહ્ય થઈ પડ્યું ત્યારે એક દિવસ તૉલ્સતોય રાતને વખતે ચૂપચાપ ઘર છોડીને ચાલ્યા ગયા. તેમને ન્યૂમોનિયા થયો હતો. પાસેના એક રેલવે-સ્ટેશન પર તેમનું અવસાન થયું. તેમના દેહને યાસ્નાયા પોલિયાના લાવવામાં આવ્યો અને તેમની ભાવના અનુસાર સાદાઈથી દફનાવવામાં આવ્યો. લુડમિલા અમને તૉલ્સતોયના મકાનમાં લઈ ગઈ. આ મકાન હવે તૉલ્સતોયની સ્મૃતિમાં સંગ્રહસ્થાન તરીકે વપરાય છે. મકાનમાં દાખલ થતાં પહેલાં અમને બૂટની નીચે પહેરવા માટે દોરીવાળા રબ્બરના સ્લિપર આપવામાં આવ્યાં, જેથી મકાનની ફરસ ખરાબ ન થાય. સૌપ્રથમ ઉપરના માળે ગયાં. ઉપર દાખલ થતાં જ દીવાલ ઉપર લોલકવાળું મોટું ઘડિયાળ દેખાયું. તૉલ્સતોયના વખતનું આ ઘડિયાળ આજે પણ નિયમિત સમય બતાવે છે. એક વિશાળ ખંડમાં તૉલ્સતોયનું પુસ્તકાલય છે. દુનિયાની પંચાવન જેટલી ભાષાનાં એમાં પુસ્તકો છે. તૉલ્સતોયનો વાંચનશોખ કેટલો વિશાળ હતો તે આ પુસ્તકો પરથી પ્રતીત થાય છે. તૉલ્સતોયના અભ્યાસખંડમાં લખવા માટેનું તેમનું ટેબલ ખાસ માપ પ્રમાણે બનાવેલું હતું. ટેબલ આપણને નીચું લાગે, પરંતુ તૉલ્સતોયની ઊંચાઈ, લખવાની એમની ઢબ અને ચશ્માં વગર વાંચવાની પડી ગયેલી ટેવને લક્ષમાં રાખીને તે ખાસ બનાવ્યું હતું. એક ખંડમાં તૉલ્સતોયનો શુકનવંતો મનાતો સોફા હતો. ડાઇનિંગ ટેબલ, ખુરશીઓ, કપડાં સીવવાનો સંચો તથા ટાઈપરાઈટર અને બીજી ચીજવસ્તુઓ, કુટુંબના સભ્યોના જુદા જુદા ફોટા અને તૈલચિત્રો વગેરે સાચવીને જુદા જુદા ખંડમાં રાખવામાં આવ્યાં હતાં. એક જાજ્વલ્યમાન યુવતીનો ફોટો બતાવીને ગાઇડે કહ્યું, “આ તૉલ્સતોયની સાળીનો ફોટો ૧૫૪ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy