________________
૧૭
જ્યોતીન્દ્ર દવે
ગુજરાતના અદ્વિતીય હાસ્યરસિક લેખક શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ૭૯ વર્ષની વયે અવસાન થયું હતું. ગમે તેટલી મોટી ઉંમરે માણસ વિદેહ થાય ત્યારે તેનો વિયોગ સ્વજનોને વસમો લાગતો હોય છે. શ્રી જ્યોતીન્દ્ર દવેની તબિયત અસ્વસ્થ તો રહેતી હતી, પરંતુ તેઓ આટલા વહેલા ચાલ્યા જશે એવી કલ્પના નહોતી. અલબત્ત, સ્વ. જ્યોતીન્દ્ર દવે આટલું લાંબું જીવન કેવી રીતે જીવી શક્યા એ જ ઘણાંને મોટી આશ્ચર્યની વાત લાગતી હતી. કિશોરાવસ્થાથી તે યૌવન અને વૃદ્ધાવસ્થામાં કાયમ ત્રીસ-પાંત્રીસ કિલોગ્રામ વજન ધરાવતા દુર્બળ શરીરવાળા જ્યોતીન્દ્ર દવેને પહેલી વાર જોનારને એમ લાગે કે તેઓ માંદગીમાંથી બેઠા થયા હશે. દેહ મારો દાતણ રિખડો અને મન મર્કટના સમું' એમ કહેનાર જ્યોતીન્દ્રને જન્મથી જ નબળો દેહ સાંપડ્યો હતો. ‘આ છોકરો બહુ જીવશે નહીં' એમ એમની તબિયત જોઈને જુદે જુદે સમયે કહેનાર સાત ડૉક્ટરો ચાલ્યા ગયા, પણ પોતે હજુ જીવે છે એમ તેઓ ઘણી વાર સભામાં કહેતા. પોતે લાંબું જીવ્યા એનું કારણ તેમનું હાસ્ય તો ખરું જ, પણ નાની વયથી જ નબળી તબિયતને કારણે તેમણે પોતાના શરીરને બરાબર પારખી લીધું હતું અને તેને ટકાવવા માટે કેવી કેવી ઔષધિની જરૂર છે એ તેમણે સમજી લીધું હતું. રોગનું નિદાન અને ઔષધોપચાર વિશેની તેમની જાણકારી એટલી બધી હતી કે કોઈક વૈદ કે ડૉક્ટરને પણ શરમાવે. આયુર્વેદ, હોમિયોપથી, યુનાની અને એલોપથી બધા વિશે તેઓ જાણે, તે વિશે ઘણાં પુસ્તકો વાંચે તથા દાક્તરો સાથે ચર્ચા કરે. પોતાની તબિયત માટે તેઓ સતત ઉપચાર પણ કરતા રહેતા અને કોઈક વખત મજાકમાં કહેતા કે, “મારા શરીરમાં ખાવાનું જેટલું જાય છે એથી વધારે દવાઓ જાય છે.’’
જ્યોતીન્દ્ર દવે ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org