________________
રજાના દિવસો હોય ત્યારે પંડિતજી પાસે વાંચવા માટે સવારે અથવા બપોરે પણ જતો. એમનો નોકર સરજુ અથવા માધુ અમારા બંને માટે ચા બનાવી લાવતો. જ્યારે ગંભીર વાચન ચાલતું હોય તે સમયે પંડિતજીને કોઈ મળવા આવ્યું હોય ત્યારે તેઓ લાંબી વાત કરતા નહિ. એકાદ મિનિટમાં પતાવી મને આગળ વાંચવાની સુચના કરતા, એટલે આવનાર વ્યક્તિ તરત સમજી જતી. વિદ્યાભ્યાસના સમયમાં મુલાકાતીઓ ખલેલ પહોંચાડે તે એમને ગમતું નહિ.
પંડિતજી આંખે જોઈ શકતા ન હતા; પરંતુ “સરિતકુંજ' મકાનમાં વસવાટને કારણે તેઓ પ્રત્યેક વસ્તુથી એટલા પરિચિત થઈ ગયા હતા કે તેમને ત્યાં બેસવાઊઠવામાં કે હરવા-ફરવામાં કોઈ અડચણ પડતી નહિ. બધું જ કામ પોતાની મેળે કરી લેતા. પ્રત્યેક વસ્તુ ક્યાં કેટલા અંતરે છે એ એમના ચિત્ત સમક્ષ સ્પષ્ટ રહેતું. એમની શ્રવણશક્તિ ઘણી તીવ્ર હતી. ટેલિફોન પણ જાતે જ લેતા અને વાતચીત કરતા. અવાજને ઓળખી લેવાની તેમની સૂક્ષ્મ ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ પણ એટલી જ સતેજ હતી. પંડિતજી પાસે હું જતો ત્યારે મારે મારો પરિચય આપવાની જરૂર પડતી નહિ. મારો અવાજ એ ઓળખી લેતા. કેટલીક વાર અમે બેઠા હોઈએ ત્યારે તેમને મળવા આવનાર કોઈ માણસો બહારથી વાતો કરતા કરતા આવતા હોય તો પંડિતજી તરત કહેતા કે ફલાણાભાઈ આવ્યા લાગે છે. પંડિતજીની શ્રવણશક્તિ અને સ્મરણશક્તિ એટલી તીવ્ર હતી કે બૂટ, ચંપલના અવાજ પરથી પણ કોણ આવ્યું છે તે પણ તેઓ જાણી લેતા.
- એક વાર મુંબઈમાં ‘તાનસેન' નામનું ચલચિત્ર જોવા અમે પંડિતજી સાથે ગયેલા. એમણે પરદા ઉપરનું ચાલતું ચલચિત્ર જોયું નહોતું, માત્ર સંવાદો અને ગીતો તેમણે સાંભળેલાં. પણ એ ચિત્ર જોઈને પાછા ફર્યા પછી એમણે કેટલાક પ્રશ્નો કર્યા ત્યારે ચલચિત્ર જોનારા જે વાતો ચૂકી ગયા હતા તે શ્રવણશક્તિની એકાગ્રતા વડે તેમણે કેવી સરસ રીતે પકડી લીધી હતી તેની પ્રતીતિ થઈ હતી.
૧૯૫૫-૫૬માં પંડિતજી પાસે આવનારા મહાનુભાવોમાં સાહિત્ય પરિષદના બંધારણ વગેરેની ચર્ચા માટે આવનારા સ્નેહરશ્મિ, ઉમાશંકરભાઈ અને જયંતી દલાલ મુખ્ય હતા. સાહિત્ય પરિષદના નવેસરથી ઘડાનારા બંધારણની ઘણી વાટાઘાટો પંડિતજીની હાજરીમાં થતી. કેટલીક વાર મતભેદો થતા ત્યારે, ખાસ કરીને જયંતી દલાલ ઉગ્ર બની ગયા હોય ત્યારે, પંડિતજી થોડુંક જ કહેતા અને વાતનું નિરાકરણ થઈ જતું.
પંડિતજી બળવાખોર પંડિત' તરીકે જાણીતા હતા. કેટલાયે ધાર્મિક જડ ક્રિયાકાંડો ઉપર એમણે પ્રહારો કરેલા છે; આમ છતાં પંડિતજી માત્ર બુદ્ધિવાદી
પંડિત સુખલાલજી
૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org