________________
હવે એક જણ એક કોથળીમાં ઢગલો કરીને રાખેલી ૧૦૦ સોગઠીઓમાંથી એક પછી એક સોગઠી કાઢે. દરેક સોગઠી ઉપર કોઈ એક આંકડો લખ્યો હોય. એવી ૧થી ૧૦૦ સુધીની સોગઠી કોથળીમાં છે. જેમ જેમ એક એક સોગઠી નીકળતી જાય તેમ તેમ રમત રમનારે કાગળના કોઠામાં તે તે આંકડા ઉપર ચોકડી કરવી. એ રીતે બધી સોગઠી પૂરી થશે તેની સાથે કાગળ પરની ચોકડીઓ પણ પૂરી થશે. આ એક પ્રકારનું પરાવર્તન પૂરું થયું કહેવાય.
આમાં નંબર ઉપર એકથી અનુક્રમે ચોકડી કરી નથી, પણ જેમ જેમ જે જે નંબર નીકળે તે પ્રમાણે ચોકડી કરવામાં આવી છે એટલે આ વ્યુત્કમ અથવા ક્રમઉત્કમ પરાવર્તન છે. એને સ્થૂલ અથવા બાદર પરાવર્તન કહી શકાય. રમત-૨
હવે એ પ્રમાણે ૧ થી ૧૦૦ સુધીના આંકડા લખ્યા હોય એવા કોઠાવાળા કાગળ ઉપર ચોકડી કરવાની છે, પણ કોથળીમાંથી જ્યારે નંબર ૧ નીકળે ત્યારે જ ચોકડી કરવાની. ત્યાર પછી જ્યારે નંબર ૨ નીકળે ત્યારે જ ચોકડી કરવાની. વચ્ચે બીજા આંકડાવાળી સોગઠી નીકળે તો તેની ચોકડી નહિ કરવાની. હવે એક કોથળી પૂરી થઈ, પણ થોડાક જ આંકડા ઉપર અનુક્રમે ચોકડી થઈ શકી છે. એટલે રમત આગળ લંબાવવા એ બધી સોગઠીઓને કોથળીમાં પાછી મૂકી દઈને હલાવીને ફરીથી સોગઠીઓ એક પછી એક કાઢવાની. એમાં આગળ કરેલી ચોકડીઓમાં અનુક્રમે જ આગળ વધવાનું. આ કોથળી પૂરી થતાં બીજા કેટલાક નંબરમાં અનુક્રમે આગળ વધાશે. ત્યાર પછી ત્રીજી વાર, ચોથી વાર, એમ અનુક્રમે કોથળીમાંથી ફરી ફરી સોગઠીઓ કાઢવાની અને એમ કરતાં ૧થી ૧૦૦ સુધીના આંકડા ઉપર અનુક્રમે બધી જ ચોકડી થઈ જાય ત્યારે એક પરાવર્તન થાય. આ પરાવર્તન ક્રમથી થયું છે. એમાં બે-ત્રણ વાર કોથળી ફરીથી ભરીને કાઢવાથી ચોકડી પૂરી કરવાનું કાર્ય નહિ પતે. ઘણી બધી વાર કરવું પડશે. કોઈ વાર પંદર-વીસ કોથળીથી પરાવર્તન પૂરું થાય અને ન થાય તો છેવટે સો વાર કોથળી ભરવાથી તો એ અવશ્ય પૂરું થશે જ. આ પ્રમાણે થયેલું પરાવર્તન ક્રમથી થયું છે એમ કહેવાય. આને સૂક્ષ્મ પરાવર્તન કહી શકાય. રમત ન. ૩
આગળ પ્રમાણે જ ૧થી ૧૦૦ ખાનામાં અનુક્રમે આંકડા લખવા. પણ એવા નંબરવાળા ચાર કાગળ સાથે રાખવા. એક લાલ રંગનો, એક વાદળી રંગનો, એક લીલા રંગનો અને એક કેસરી રંગનો.
પુદ્ગલ-પરાવર્તન ૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org