________________
વાજિંત્રોના ધ્વનિ વડે વધારે મધુર કરે છે તેવી રીતે દેવો પણ તીર્થંકર પરમાત્મા પ્રત્યેના ભક્તિભાવથી પ્રેરાઈને એમની દેશનાના દિવ્ય ધ્વનિને વધુ આહલાદક બનાવે છે. એટલે જેટલા અંશમાં દેવો વાજિંત્રો વડે ભગવાનની વાણીને વધુ મધુર બનાવે છે તેટલા અંશમાં દેવોનું એ પ્રાતિહાર્યપણું ગણવામાં આવે છે. એટલે દિવ્ય ધ્વનિને પ્રાતિહાર્ય તરીકે ગણવામાં કોઈ બાધ રહેતો નથી.
આના અનુસંધાનમાં બીજો પ્રશ્ન એવો થાય કે શું તીર્થંકર પરમાત્માની વાણીમાં એવી ન્યૂનતા હોય છે કે દેવોએ એને મધુર કર્ણપ્રિય બનાવવાની જરૂર પડે? એનો ઉત્તર એ છે કે તીર્થંકર પરમાત્માની વાણી તો જન્મથી જ અતિશયયુક્ત હોય છે. એટલે એમાં ન્યૂનતા હોવાનો પ્રશ્ન જ નથી રહેતો. દેવો તે દેશના સમયે દિવ્ય ધ્વનિ કરે છે તે કોઈ ન્યૂનતા દૂર કરવા માટે નહિ, પણ પોતાના અદમ્ય ભક્તિભાવને વ્યક્ત કર્યા વગર તેઓ રહી શકતા નથી માટે તેઓ દિવ્ય ધ્વનિ કરે છે. દેવોનો દિવ્ય ધ્વનિ માત્ર માધુર્ય માટે જ નહિ પણ ભગવાનની દેશનાના ધ્વનિને એક યોજન સુધી પ્રસારવા માટે પણ હોય છે.
તીર્થકર ભગવાનની વાણીરૂપી દિવ્ય ધ્વનિને અતિશય તરીકે ગણાવવામાં આવે છે. તીર્થકર ભગવાનના એવા ચોત્રીસ અતિશય છે. તેમાં ચાર અતિશય તે મૂલાતિશય છે. ઓગણીસ અતિશય દેવોએ કરેલ હોય છે અને અગિયાર અતિશય કર્મનો ક્ષય થયા પછી પ્રગટ થાય છે.
દિગમ્બર પરંપરા પ્રમાણે ભગવાનના ચોત્રીસ અતિશયના એ જ પ્રમાણે ત્રણ પ્રકાર બતાવવામાં આવે છે : (૧) સહજાતિશય, (૨) કર્મક્ષયજ અતિશય, અને (૩) દવકૃત અતિશય. પરંતુ દિગમ્બર પરંપરામાં તે દરેક પ્રકારના અતિશયોની સંખ્યામાં ફરક છે, તેમાં સહજાતિશયની સંખ્યા દસ છે, કર્મક્ષયજ અતિશયની સંખ્યા પણ દસ છે અને દેવકૃત અતિશયની સંખ્યા ચૌદ છે. એમાં ભગવાનની જન્મથી હિતકારી અને પ્રિય વાણીને સહજાતિશય તરીકે ઓળખવામાં આવે છે અને સમવસરણની સર્વભાષારૂપ વાણીને દેવકૃત અતિશય તરીકે ગણવામાં આવે છે.
શ્વેતામ્બર પરંપરા પ્રમાણે તીર્થંકર પરમાત્માના આઠ પ્રાતિહાર્યમાંથી અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, ચામર, આસન, દુંદુભિ અને છત્ર એ છ પ્રાતિહાર્યનો સમાવેશ દેવકૃત અતિશયમાં થાય છે. ભામંડળ પ્રાતિહાર્યનો સમાવેશ કર્મક્ષયજ અતિશયમાં થાય છે. પરંતુ દિવ્ય ધ્વનિ પ્રાતિહાર્યનો (એટલે દેવોએ વીણા, વેણુ વગેરે દ્વારા કરેલા ધ્વનિનો સમાવેશ કોઈ અતિશયમાં થતો નથી. અલબત્ત, ભગવાનની પોતાની વાણીરૂપ જે દિવ્ય ધ્વનિ છે તેને ચોત્રીસ અતિશયમાંનાં એક અતિશય તરીકે ગણવામાં આવે છે.
૪ -
જૈન ધર્મ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org