________________
જ્ઞાનયોગ મોક્ષનું અનંતર કારણ છે. તેથી તેનો મહિમા અનંત છે, જ્ઞાન સહિતની ક્રિયા એટલે સમિતિ અને ગુપ્તિરૂપ સંયમ છે, ક્રિયાયોગ પ્રમાદ ટાળવાનો અભ્યાસ છે. અને તેનું ફળ જ્ઞાન છે. જ્ઞાનનો મહિમા વર્ણવતા ગ્રંથકાર કહે છે કે ક્રિયા ખજૂઆના પ્રકાશ જેવી છે. ટમટમતા દીવા જેવી છે, અને જ્ઞાન સૂર્યના પ્રકાશ જેવું છે. ‘નાણ ભાણ સમ જોય'. આ કલિયુગમાં બાહ્ય ક્રિયાનો પથારો એટલો વિસ્તાર પામ્યો છે કે કોઈ વિરલા જ ક્રિયા અને જ્ઞાનનું અંતર સમજે છે, કે તે તે સ્થાને તેનું માહાત્મ્ય જાણે છે.
અગ્નિસ્પર્શથી દાઝી જવાય છે તેવું જ્ઞાન અગ્નિથી બચાવે છે. ઝેરથી મૃત્યુ થાય છે તેવું જ્ઞાન ઝેરથી દૂર રાખે છે, વાસ્તવમાં અજ્ઞાન જ જીવનનું ઝેર છે. જ્ઞાનરહિત ગમે તેવા હઠયોગ કરે, ત્યાગ કરે અને તપસ્યા આદરે, મૌન રહે કે જંગલ સેવે. પદ્માસન કે પ્રાણાયામ સાધે, શાસ્ત્ર કંઠસ્થ કરે, પરંતુ જ્ઞાનરહિત એ સર્વ મુક્તિનું કારણ ન બન્યું, પૂર્વે પણ એવાં સાધનો કરવા છતાં જીવ મુક્તિ પામ્યો નહિ.
વળી જ્ઞાન પણ જો શુદ્ધ ચારિત્ર રહિત છે તો તે પણ શુષ્ક છે. જ્ઞાનનું ફળ વૈરાગ્ય છે. વિરતિ છે, શાસ્ત્રજ્ઞાનમાં પારંગત હોય પણ જો વૈરાગ્ય ન હોય તો તે જ્ઞાન પણ જીવને આત્મસ્વરૂપે પરિણમતું નથી. આથી આત્મા આશ્રવથી છૂટે, સંવર નિર્જરાનું આરાધન કરે તો તે સમ્યગ્ ક્રિયા છે, વળી નવતત્ત્વનું યથાર્થ જ્ઞાન કરી ઉપયોગને આત્મસન્મુખ કરે તો તે જ્ઞાનનું ફળ છે.
આ ક્લેશરૂપ અને દુઃખરૂપ સંસારથી મુક્તિનો ઉપાય એક માત્ર આત્મજ્ઞાન છે. તે જ્ઞાનને અનુરૂપ જે અભ્યાસ છે તે ક્રિયાયોગ છે, બાહ્ય વહેતી વૃત્તિને સ્વરૂપ પ્રત્યે વાળવી તે ક્રિયાયોગ છે, તેની પાત્રતા માટે આવશ્યકાદિ ક્રિયાઓનું નિરૂપણ કર્યું છે.
યોગના અભ્યાસરૂપ ક્રિયા તે મોક્ષસાધક છે. એ યોગ મુખ્યત્વે સમ્યગ્ જ્ઞાનદર્શન અને ચારિત્રના પરિણામ છે, વળી ઇચ્છાયોગ, શાસ્રયોગ, અને સામર્થ્ય યોગનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે.
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૨૦૩ www.jainelibrary.org