________________
તેની પડછંદ કાયા ખાટલે પડી હતી. કયારેક આંખ ઉઘડતી ત્યારે તેમાં કંઈ ચમકારો ચમકી જતો. સૌના મનમાં હતું કે હવે આપણા નેતાની આખરી ઘડીઓ ગણાય છે. જો કે આ મરણ પથારીએ પડેલો માનવી તથા શુદ્રકુળના સ્ત્રીપુરુષો પલ્લીમાં આવીને વસ્યા ત્યારથી તેમણે મોતને તો મિત્ર બનાવ્યું હતું. લૂંટફાટ કરવી જીવ સટોસટના દાવ ખેલવા તે તેમનો મહાવરો હતો. મરવું કે મારવું તે તેમને માટે બહુ મહત્વનું ન હતું.
વળી દાદાએ આંખ ખોલી, જાણે કંઈ કહેવા માંગતા હોય તેમ લાગવાથી ટેકો આપી બેઠા કર્યા. તેણે બોલવાનું શરૂ કર્યું.
હું તમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું. મને મરવાનો ડર નથી. મને કંઈ લક્ષ્મીનો પણ મોહ નથી. આ પલ્લીમાં ખજાનો તો ઘણો ભર્યો છે. રાજા શ્રેણિક અને સૈનિકો તેની સેના મારા નામથી આજેય ધૂજે છે. પણ મારું કાર્ય જે શુદ્રતાના ભેદ નહિં પણ સમાનતાનું હતું તે અધુરૂં રહ્યું છે. હવે તે કોણ કરશે ? તેની મને ચિંતા છે. આપણું પણ એક રાજ હોવું જોઈએ. મારો પૌત્ર રોહિણેય તૈયાર થયો છે. તેને સાથ આપી તમે તે કાર્ય પુરૂં કરશો તેની મને ખાત્રી છે. પણ તેમાં મને એક શંકા છે કે કદાચ પેલા જ્ઞાતપુત્રના ઉપદેશથી તમે ભોળવાઈ જઈને આ કાર્ય પડતું ન મૂકો. તે માટે તમે સૌ પ્રતિજ્ઞા લો કે અમે એ જ્ઞાતપુત્રનો ઉપદેશ નહિ માનીએ તેના દર્શન નહિ કરીએ.
જ્ઞાતપુત્ર અને તેના સાધુઓ ભલે કહે કે વૈશ્ય શું કે બ્રાહ્મણ શું? સૌ સરખા છે. પરંતુ પાછા કહે છે કે ઊંચ-નીચ એ પૂર્વ કર્મનું ફળ છે. એટલે આપણને જૂદા જ માને છે. તમે ભોળવાઈ ન જશો. અને સમાનતાની ભીખ ન માંગશો પણ પરાક્રમ કરી, ભલે લોકોને લૂંટવા પડે તો લૂંટીને પણ તમે તમારું સ્થાન મેળવજો.
દાદા એક શ્વાસે આ બધુ બોલી ગયો. તેથી હાંફવા લાગ્યો. આથી કોઈ આગળ આવ્યું. તેને સુવાડી દીધો અને કહ્યું કે દાદા તમે શાંતિ રાખો, તમારું અધુરું કાર્ય અમે પૂરું કરીશું અને જ્ઞાતપુત્ર કે તેમના સાધુઓની ઉપદેશની જાળમાં અમે ફસાઈ નહિ જઈએ. પથારીમાં પડયો પડયો એ વૃદ્ધ બોલ્યો પણ તમે પ્રતિજ્ઞા લો તો જ
૩૭
અનોખી મૈત્રી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org