________________
રોહણકને પોતાની જાત પ્રત્યે ધિક્કાર છૂટ્યો. આ વેદના સહન ન થઈ. અને મહાવીરના શબ્દોનું શ્રવણ થયું. ત્યાં તો અભયમંત્રી નજીક આવી ગયા, દોરડાનો ફાંસલો નાંખી તેને પકડી લીધો. અભયમંત્રી અને સાથીઓ ખુશ થયા. તેને નગરમાં ફેરવીને લઈ જવામાં આવ્યો. આગળ અભયમંત્રી અને સુભટો ચાલે છે, પાછળ એક ઘોડા પર દોરડાથી બાંધેલો રોહણક છે. તેની પાછળ કેટલાક સુભટો છે. રોહણક જરાય ખસી શકે તેમ નથી.
પણ આ શું ?
નગરજનો માથું ધુણાવે છે, હસે છે, આશ્ચર્ય પામે છે. ત્યાં તો અભયમંત્રીને કાને શબ્દો પડ્યા. આવો નબળો, કૃશકાય રોહણક હોય ?
અભયમંત્રીએ પાછળ ફરી ઘોડા પર રોહણક જોયો, આ શું ? આ રોહણક ન હોય. કંઈ દગો થયો છે કે કોઈ મંત્રવિદ્યાનું આ કામ છે.
રોહણકને રાજદરબારમાં હાજર કરવામાં આવ્યો, રાજદરબારે પૂરો ભરાયો છે. સૌની નજરમાં આશ્ચર્ય છે. છેવટે માતંગ જે રોહણકના સમાજનો જૂનો માણસ હતો. તેને બોલાવવામાં આવ્યો. તેણે નકારમાં માથું ધુણાવ્યું કે આ રોહણક નથી. અભય મંત્રીને ખાતરી હતી કે આ રોહણક છે. તેને કોઈ મંત્રવિદ્યા વડે પોતાનું રૂપ બદલ્યું છે.
શ્રેણિક રાજાએ જાહેર કર્યું કે ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી સજા ન થાય.
રોહણકના ગુનાને પુરવાર કરવા અભયમંત્રીએ તેને નિલકમલ મહેલમાં રાખ્યો. ત્યાં અતિ રૂપાળા દાસદાસીઓ મૂક્યાં. જાણે સ્વર્ગલોક ખડું કર્યું.
રોહણકને મેવા-મીઠાઈ ખાવા મળે. કેફી પીણાં મળે. ત્રીજો દિવસ છે. પણ રોહણક કળવા દેતો નથી કે પોતે રોહણક છે. તેની પાસે રૂપપરિવર્તનની મંત્રવિદ્યા હતી. જ્યારે તેને જંગલમાં પકડવામાં આવ્યો ત્યારે તેણે તે વિદ્યા વડે પોતાની કાયાને પલટી નાંખી હતી. કૃશકાય સામાન્ય ખેડૂતનું તેણે રૂપ ધારણ કર્યું હતું. આથી તેની પાસેથી એ બોલાવવાનું હતું કે તે રોહણક છે.
અંતિમ દિવસ છે. રૂપાળા - સૌંદર્યવાન પરિચારકો થાક્યા છે.
સુખ ક્યાં સમાણું? * ૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org